સાનિયાની દમદાર વાપસી : હોબાર્ટમાં જીત્યો ખિતાબ

સાનિયાની દમદાર વાપસી : હોબાર્ટમાં જીત્યો ખિતાબ
 નાદિયા સાથે મળીને હોબાર્ટ ઈન્ટરનેશનલનો યુગલ ખિતાબ નામે કર્યો
હોબાર્ટ, તા. 18: સાનિયા મિર્ઝાએ બે વર્ષના વિશ્રામ બાદ વાપસી ઉપર શાનદાર શરૂઆત કરતા નાદિયા કિચનોક સાથે મળીને ડબલ્યુટીએ હોબાર્ટ ઈન્ટરનેશનલનો યુગલ ખિતાબ જીત્યો છે. ભારત અને યુક્રેનનની જોડીએ શુહાઈ પેંગ અને શુહાઈ ઝાંગની ચીનની જોડીને એક કલાક અને 21 મિનિટ સુધી ચાલેલા મેચમાં 6-4, 6-4થી હરાવી હતી. 
સાનિયા પુત્ર ઈઝહાનના જન્મ બાદ પહેલી વખત ટૂર્નામેન્ટમાં રમી રહી હતી અને 33 વર્ષિય સાનિયા મિર્ઝાએ ઓલિમ્પિક વર્ષમાં શાનદાર શરૂઆત કરી હતી. આ સાથે જ સાનિયા મિર્ઝાએ ઓસ્ટ્રેલિયન ઓપન માટે પણ પુરતી તૈયારીની સાબિતી આપી છે. સાનિયા પુત્રના જન્મના કારણે 2018 અને 2019ના સત્રમાં ડબલ્યુટીએ સર્કિટમાં રમી શકી નહોતી. સાનિયા અને નાદિયાએ પહેલી જ ગેમમાં  ચીનની જોડીની સર્વિસ તોડી હતી પણ આગામી ગેમમાં સર્વિસ ગુમાવી હતી. બન્ને જોડીઓ વચ્ચે 4-4 સુધી નજીકનો મુકાબલો જોવા મળ્યો હતો. સાનિયા અને નાદિયાને નવમા ગેમમાં બ્રેક પોઈન્ટ મળ્યો હતો અને પછી સેટ પોતાના નામે કર્યો હતો. ચીનની જોડીની રમત બીજા સેટમાં નોંધપાત્ર રહી નહોતી.  અંતે સાનિયાની જોડીની જીત થઈ હતી. આ જીત  સાથે જ સાનિયા અને નાદિયાને 13580 ડોલરની ઈનામી રાશી મળી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer