રાજદ્રોહના કેસમાં હાજર નહીં થવાથી હાર્દિક પટેલની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી       
અમદાવાદ, તા.18: કૉંગ્રેસના નેતા અને પાટીદાર અગ્રણી હાર્દિક પટેલની પોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી ધરપકડ કરી છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે તેમની સામે બિનજામિનપાત્ર વૉરંટ ઇસ્યુ કર્યું હતું. 
મહત્ત્વનું છે કે, હાઈ કોર્ટની વારંવાર સૂચના હોવા છતાં વારંવાર તેઓ કોર્ટમાં ગેરહાજર રહેતા હતા એવું સેશન્સ કોર્ટનું અવલોકન હતું. આ ઉપરાંત કેસમાં હાજર રહેવામાંથી મુક્તિની હાર્દિક પટેલે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે, આજરોજની સુનાવણીમાં ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યાં હતાં. આજે રાત્રિ દરમિયાન હાર્દિક પટેલને ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં રહેવું પડશે. આવતી કાલે કોર્ટનો સમય લઇને હાર્દિક પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવશે. 
દરમિયાન સેશન્સ કોર્ટના સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલના વકીલ ઊલટતપાસ માટે તૈયાર હતાં, પરંતુ હાર્દિક પટેલ હાજર રહ્યા ન હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer