ગુડિયા ગૅંગરેપ કેસમાં બન્ને આરોપી દોષિત : 30મીએ સજા

નવી દિલ્હી,તા. 18 : દિલ્હીના બહુચર્ચિત ગુડીયા ગેંગરેપ કેસમાં પોક્સો કોર્ટે આરોપીઓ પ્રદીપકુમાર અને મનોજ શાહને દોષિત ઠરાવ્યા છે. આ બન્નેને 30મી જાન્યુઆરીએ સજા જાહેર કરવામાં આવશે.
ઇ.સ. 2013માં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં અંદાજે 5 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર ગેંગરેપનું જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું. દોષિતોએ એ માસુમ બાળકી સાથે નિર્ભયાની માફક જ બર્બરતા આચરી હતી. 
એડીશ્નલ સેશન જજ નરેશકુમાર મલ્હોત્રાએ મનોજ શાહ અને પ્રદીપકુમારને દોષિત જાહેર કરતા કહ્યું હતું કે બાળકી સાથે અસાધારણ જુલમ અને ભયાનક બર્બરતા આચરવામાં આવી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આપણા સમાજમાં નાની બાળાઓને દેવી તરીકે પૂજવામાં આવે છે. આ મામલાએ સમાજની સામૂહિક ચેતનાને હચમચાવી દીધી હતી. આ ઘટના બન્યા બાદ આરોપીઓ મનોજ શાહ અને પ્રદીપ લાપતા થઇ ગયા હતાં. જેમને દિલ્હી પોલીસે બિહારનાં મુઝફરપુર અને દરભંગાથી ઝડપી લીધા હતાં. ગેંગરેપ બાદ આ માસુમ બાળાને મૃત્યુ પામેલી સમજીને આરોપીઓ નાશી ગયા હતાં પણ આ બાળકીને ઘટના બાદ 40 કલાકે બચાવી લેવાઈ હતી. દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપની ઘટના બાદ આ ઘટના 4 મહિના બાદ બની હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer