મૉલ કે શોપ આખી રાત ખુલ્લાં રહે એ ફરજિયાત નથી : આદિત્ય ઠાકરે

મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : મુંબઈના બિનરહેવાસી વિસ્તારોમાં દુકાનો, મોલ્સ અને હૉટેલો આવતી 26મી જાન્યુઆરીથી 24 કલાક અને સપ્તાહના સાતેય દિવસ ખુલ્લા રાખી શકાશે. જોકે, તે ફરજિયાત નથી એમ મહારાષ્ટ્રના પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું છે.
ઠાકરેએ પત્રકારોને જણાવ્યું હતું કે નાઈટલાઈફને આલ્કોહોલના સેવન સાથે સાંકળી લેવી યોગ્ય નથી. મુંબઈ 24 કલાક અને સપ્તાહના સાતેય દિવસ ધમધમે છે. દુકાનો કે મોલ માટે કામકાજ રાત્રે ચાલુ રાખવાનું ફરજિયાત નથી. તે વિશેના ધારાધોરણ બદલાયા નથી. અમે એક્સાઈઝ સંબંધી ધારાધોરણોમાં પણ કોઈ ફેરફાર કર્યા નથી. લંડનમાં રાત્રીના સમયનું અર્થતંત્ર પાંચ અબજ ડૉલરનું છે. ઈન્દોરમાં સરાફા માર્કેટ પણ રાત્રીના સમયે ખુલ્લી રહે છે. ગત વર્ષે અમદાવાદ શહેરમાં પણ તે અંગેની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેથી મુંબઈએ શા માટે પાછળ રહેવું જોઈએ? અમે બિનરહેવાસી વિસ્તારોમાં ખાદ્યપદાર્થો અને શોપિંગની 24 કલાક સુવિધા આપવાનો નિર્ણય લીધો છે, એમ ઠાકરેએ ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer