તેજસની શુભારંભ સવારી પ્રવાસીઓને નિસ્તેજ લાગી

મુંબઈ, તા. 18 : દેશની બીજી `કોર્પોરેટ' (ખાનગી વ્યવસ્થાપન) ધરાવતી ટ્રેન `તેજસ'નો પ્રારંભ એક કરતાં વધુ સમસ્યાઓ સાથે થયો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા સંપૂર્ણપણે સંચાલિત આ ટ્રેનને શનિવારે અમદાવાદથી મુંબઈ સૌપ્રથમ દોડાવવામાં આવી ત્યારે અગાઉ શતાબ્દીમાં પ્રવાસ કરી ચૂકેલા નાગરિકોને તેજસની સવારી `એવરેજ' લાગી છે. ભાડું ઊંચું હોવા છતાં સુવિધામાં આ ટ્રેન ઊણી ઊતરી છે.
તેજસની સીધી સ્પર્ધા શતાબ્દી સાથે છે અને પહેલા જ `રાઉન્ડ'માં શતાબ્દીએ સરસાઈ મેળવી છે. ઉતારુઓએ તેજસની તુલના શતાબ્દી સાથે સ્વાભાવિકપણે કરી છે.
તેજસની `પ્રથમ ગ્રાસે મક્ષિકા' થઈ હતી. શુભારંભ સવારે 9.30 કલાકે થવાનો હતો, પરંતુ એક કલાક મોડી ઉપડી હતી. રેલવે પ્રધાન પીયૂષ ગોયલ સમયસર પહોંચ્યા નહીં અને છેવટે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને તાકીદે બોલાવી સવારે 10.45 વાગ્યે લીલી ઝંડી આપવામાં આવી.
એક્ઝિકયુટિવ કલાસનું ભાડું વિમાની પ્રવાસ જેટલું ઊંચું છે, પણ તેમાં પહેલો પ્રવાસ કરનાર એક ખાનગી કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ નવ બોરાને ટ્રેન મોડી ઉપડી તે ગમ્યું નથી. બીજું તેમને સીટ શતાબ્દી જેવી આરામદાયી લાગી નહીં.
યુવરાજ રાઠોડ નામના પ્રવાસીએ પણ તેનો અનુભવ કહેતાં કહ્યું કે મુંબઈ-અમદાવાદ શતાબ્દી ટ્રેનના એક્ઝિકયુટિવ કોચ તેજસ કરતાં ઘણા બહેતર છે.
રાઠોડ તેમના પ્રતિભાવ આઈઆરસીટીસીના ચૅરમૅન અને એમડી મહેન્દ્ર પ્રતાપને આપી રહ્યા હતા ત્યારે જ એક્ઝિકયુટિવ કોચની ટયુબલાઈટની એલોટ સીટ તૂટી નીચે પડી હતી. રેલવે અધિકારીઓએ કબૂલ્યું હતું કે તેજસમાં ઉપયોગમાં લેવાયેલા કોચ છેલ્લા એક વર્ષથી અમદાવાદ યાર્ડમાં પડી રહ્યા હતા, પરંતુ આ મામૂલી સમસ્યા છે, જેને તત્કાળ ઉકેલવામાં આવશે.
ચિન્મય કોળે નામના પ્રવાસીએ કહ્યું કે ટ્રેનની અંદર મનોરંજનનાં સાધનો ભાગ્યે જ કામ કરતાં હતાં. અૉટોમેટિક દરવાજાઓને હાથેથી ખોલવા પડતા હતા. છેવટે આ ટ્રેન સાંજે 4.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચી, 17 મિનિટ મોડી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer