એચડીએફસી બૅન્કનો ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં નફો

33 ટકા વધી રૂા. 7416 કરોડ થયો 
મુંબઈ, તા. 18 : એચડીએફસી બૅન્કનો ડિસેમ્બર 2019ના અંતમાં ત્રિમાસિક ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 32.77 ટકા વધીને રૂા. 7416.48 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 5585.85 કરોડ હતો.
આ ત્રિમાસિક ગાળામાં બૅન્કની અન્ય આવક 35.52 ટકા વધીને રૂા. 6669.28 કરોડ થઈ છે. વ્યાજની ચોખ્ખી આવક (એનઆઈઆઈ) વાર્ષિક ધોરણે 12.69 ટકા વધીને રૂા. 14,172.90 કરોડ થઈ છે. અસ્કયામતની ગુણવત્તા ડિસેમ્બર ત્રિમાસિકમાં આંશિક બગડી હતી. ગ્રોસ નોન પર્ફોમિંગ એસેટ્સ વધીને 1.42 ટકા હતી, જે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 1.38 ટકા હતી. નેટ એનપીએ 0.48 ટકા હતી, જે તે પહેલાના ત્રિમાસિકમાં 0.42 ટકા હતી.
બૅન્કે કહ્યું કે, એડવાન્સીસ અને ડિપોઝિટ્સમાં અનુક્રમે 19.10 ટકા અને 25.20 ટકાનો વધારો થતાં વ્યાજની આવક વધી હતી, જોકે, વ્યાજનું માર્જિન 4.20 ટકાના સ્તરે સ્થિર હતું. જોગવાઈ અને આકસ્મિક ખર્ચ 37.62 ટકા વધીને રૂા. 3043.56 કરોડ રહ્યા હતા. બૅન્કની કુલ બેલેન્સશીટ ડિસે. '19 સુધીમાં રૂા. 13.95 લાખ કરોડ હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 11.68 લાખ કરોડ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer