નેશનલ ફૂડ પ્રોસેસિંગ પૉલિસી ઘડવા માગ

નવી દિલ્હી, તા. 18 : ખેડૂતોની આવક વધારવા અને દેશમાં કૃષિ ઉત્પાદન માટે મૂલ્ય-વૃદ્ધિની ઈકોસિસ્ટમ વધુ મજબૂત કરવા માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગે સરકારને નેશનલ ફૂડ પ્રોસેસિંગ પૉલિસી ઘડવાની માગણી કરી છે. હાલમાં કેટલાંક રાજ્યોએ પોતાની ફૂડ પ્રોસેસિંગ પૉલિસીઝ અમલી બનાવી છે, જ્યારે અન્ય રાજ્યોએ પોતાની ઔદ્યોગિક નીતિની સાથે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને સાંકળી લીધું છે.
સરકારને સોંપાયેલી બજેટ પૂર્વેની ભલામણોમાં કન્ફેડરેશન અૉફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ)ના નેજા હેઠળ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગે રાજ્યો માટે વિવિધ ફૂડ પ્રોડ્ક્શન બેઝનો લાભ લઈ શકાય તેવી તેમ જ ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રે રોકાણોને પ્રોત્સાહન મળે તેવી વિસ્તૃત નેશનલ મોડેલ ફૂડ પ્રોસેસિંગ પૉલિસી ઘડવા જણાવ્યું છે. સીઆઈઆઈએ જણાવ્યું છે કે પૉલિસી વેપાર સરળ બનાવનારી, કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ અને પ્રક્રિયાઓ વચ્ચે સમન્વય સાધનારી, ખેડૂતોને સશક્ત બનાવતી અને ક્ષેત્રમાં એકંદર વૃદ્ધિ લાવનારી હોવી જોઈએ.
ફૂડ પાર્કસ માટે લાગુ પડતી કેટલીક યોજનાના લાભ ફૂડ પાર્ક્સ સિવાયના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પણ આપવામાં આવે તેવી માગણી પણ કરાઈ છે. સરકારે ફૂડ પાર્ક્સમાં નવું ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા અથવા તો હાલના ફૂડ પ્રોસેસિંગ યુનિટનું આધુનિકીકરણ કરવા માટે નેશનલ બૅન્ક ફોર એગ્રિકલ્ચર ઍન્ડ રુરલ ડેવલપમૅન્ટ (નાબાર્ડ) દ્વારા ઉદ્યોગ સાહસિકોને પરવડે તેવાં ધિરાણ મળી રહે તે માટે રૂા. 2000 કરોડનું કોર્પસ ઊભું કર્યું છે.
ઉપરાંત, અન્ય ઉદ્યોગોની માફક કૃષિ ઉત્પાદનોની નિકાસ માટે પ્રોત્સાહનોની માગણી કરાઈ છે. સીઆઈઆઈએ જણાવ્યું છે કે કૃષિ પેદાશો માટે રેમિશન અૉફ ડયૂટીઝ ઓર ટૅક્સીઝ ઓન એક્સ્પોર્ટ પ્રોડક્ટ્સ (આરઓડીટીઈપી) યોજનાનો દર, એમઈઆઈએસ (મર્ચેન્ડાઈઝ એક્સ્પોર્ટ્સ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ)ના પ્રવર્તમાન દર કરતાં બે ટકા ઊંચો નક્કી કરવો જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer