ખાંડનું ઉત્પાદન આ સિઝનમાં જાન્યુ. સુધીમાં 26 ટકા ઘટી 108.8 લાખ ટન

ચેન્નઈ, તા. 18 : ખાંડનું ઉત્પાદન ચાલુ મોસમમાં 15 જાન્યુઆરી, '20 સુધીમાં 26 ટકા ઘટી 108.8 લાખ ટન થયું હતું, જે ગઈ મોસમના સમાનગાળામાં 147.9 લાખ ટન નોંધાયું હતું. આમ આ મોસમના સૂચિતગાળામાં 38.5 લાખ ટન જેટલું ઉત્પાદન ઘટયું ગણાય.
સૂચિતગાળા દરમિયાન માત્ર 440 ખાંડ મિલો કાર્યરત હતી તો 15 જાન્યુઆરી, 2019 સુધીના સમાનગાળામાં 511 મિલો કાર્યરત હતી, એમ ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઇસ્મા) દ્વારા જાણવા મળ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં 15 જાન્યુ. 2020 સુધીમાં 119 ખાંડ મિલોએ 43.7 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. 2018-'19ના સમાનગાળામાં 117 ખાંડ મિલો કાર્યરત હતી અને 41.9 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું, જે સરેરાશ રિકવરી 10.97 ટકાની દર્શાવે છે. મહારાષ્ટ્રમાં 139 ખાંડ મિલો કાર્યરત હતી અને 25.5 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે તેના આગલા વર્ષના સમાનગાળા માટે 189 મિલો કાર્યરત હતી અને 57.2 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. મહારાષ્ટ્રમાં 3 ખાંડ મિલો પ્રત્યેક એકેક અહમદનગર, ઔરંગાબાદ અને બીડ જિલ્લામાંની મિલોએ કામકાજ બંધ રાખ્યું છે. કર્ણાટકમાં 63 મિલો કાર્યરત હતી અને 81.9 લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે 2018-'19માં 65 મિલો કાર્યરત રહી 26.7 લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું. ગુજરાતમાં 15 ખાંડ મિલોએ 3.72 લાખ ટન તો 2018-'19માં ત્યાં 16 ખાંડ મિલો દ્વારા 5.41 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું.
ઇલ્માના જણાવ્યા મુજબ શેરડીની બાકી ચુકવણી 30 નવેમ્બર, '19ના રૂા. 4500 કરોડ આસપાસ હતી તો 2018-'19ની સિઝન માટે નવેમ્બર અંત સુધીમાં શેરડીની બાકી ચુકવણી રૂા. 2500 કરોડ જેવી બાકી રહી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer