અનુસૂચિત જાતિની યુવતી સાથે દુષ્કર્મ-હત્યાની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 18 : અરવલ્લી જિલ્લાના મોડાસાની બાજુમાં આવેલ સાયરા ગામની અનુસૂચિત જાતિની યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ન્યાયિક અને ઝડપી તપાસ માટે સ્ટેટ સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.  આ સાથે મોડાસા ટાઉનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એન કે રબારીને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ડીજીપી શિવાનંદ ઝા દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સાયરા ખાતે ઘટના બની એ દિવસથી જ રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઇને દુ:ખની લાગણી વ્યક્ત કરી છે અને એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે તથા ઘટના સાથે સંકળાયેલા ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ઘટના બન્યા બાદ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાની નિગરાની હેઠળ અરવલ્લીના રેન્જ આઈજી તથા સ્થાનિક એસપી દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે. જાડેજાએ ઉમેર્યું હતું કે, ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને રાજ્ય સરકારે સમગ્ર બનાવની તપાસ માટે સ્ટેટ સીઆઈડી ક્રાઇમ અને રેલવે ડીઆઈજીપી ગૌતમ પરમારની અધ્યક્ષ સ્થાને ત્રણ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(સીટ)ની રચના કરવામાં આવી છે અને સીટ દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે.
દલિતોનું સરકારને સાત દિવસનું અલ્ટિમેટમ  
દરમિયાન પીડિત પરિવાર દ્વારા આજે ગાંધીનગર ખાતે દલિત મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું જેમાં  સરકારને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે તેમ જ જો માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer