મોદી સમક્ષ મમતાની સીએએ હટાવવાની માગણી

મોદી સમક્ષ મમતાની સીએએ હટાવવાની માગણી
નમોએ કહ્યું, `દિલ્હીમાં વાત કરીશું' મુલાકાત બાદ ધરણાંમાં પહોંચ્યાં દીદી
નવી દિલ્હી, તા.11 : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આજે રાજભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક એવા સમયે યોજવામાં આવી છે જ્યારે સુધારેલા નાગરિકત્વ કાયદાને લઇને શહેરભરમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. વડાપ્રધાનને મળ્યા બાદ મમતા બેનરજીએ કહ્યું કે મેં વડા પ્રધાનને કહ્યું કે અમે સીએએ, એનઆરસી અને એનપીઆરનો વિરોધ કરીએ છીએ. મેં તેમને સીએએ અને એનઆરસી પાછી ખેંચવાની વિનંતી કરી. આ ઉપરાંત પીએમ મોદી સાથે કેટલીક આર્થિક માંગણીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ ઉપરાંત કોંગ્રેસ અને ડાબેરીઓ વડાપ્રધાન મોદીની બંગાળયાત્રાનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષોએ કોલકાતામાં ઠેરઠેર `મોદી પાછા જાઓ'ના પોસ્ટર પણ લગાવ્યાં હતાં.
ઉલ્લ્ઁખનીય છે કે રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ ગણાતી આ બેઠક વડાપ્રધાન બે દિવસની કોલકાતાની મુલાકાતે પહોંચ્યાના થોડા સમય બાદ બંને નેતાઓ વચ્ચે થઈ હતી. 
જોકે પીએમ મોદીએ મમતાને જવાબ આપતાં એમ કહ્યું હતું કે તેઓ અહીં અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હોવાથી આ મુદ્દા પર દિલ્હીમાં વાત થઈ શકે. પીએમે સીએમ મમતાને દિલ્હી આવવા માટે જણાવ્યું હતું.
બેઠકની તુરંત બાદ મમતા તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ ટીએમસીપી દ્વારા કોલકાતામાં રાણી રાસમણિ માર્ગ પર સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુદ્ધના ધરણામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ફરી એક વખત એ વાતનો ઉચ્ચાર કયો હતો કે નવો નાગરિકત્ત્વ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ થશે નહીં.
મમતાએ કહ્યું કે આ મારું બંધારણીય કર્તવ્ય હતું કે આપણે દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનું સ્વાગત કરીએ. 
બેનરજીએ તેમની મોદી સાથેની બેઠકને `શુભેચ્છા મુલાકાત' લેખાવી હતી અને જણાવ્યું હતું કે તેમણે મોદી સમક્ષ કેન્દ્ર પાસેથી મેળવવાના રહેતા આર્થિક મામલાઓ ઉઠાવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer