સાઈબર સુરક્ષા માટે `વિશ્વાસ'' અને `આશ્વસ્ત'' પ્રોજેક્ટનો પ્રારંભ

સાઈબર સુરક્ષા માટે `વિશ્વાસ'' અને `આશ્વસ્ત'' પ્રોજેક્ટનો પ્રારંભ
કરાવતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીનગર, તા.11: સાઇબર ક્રાઇમ રોકવા તથા ગુન્હા ઉકેલવા માટે 'વિશ્વાસ' અને 'આશ્વસ્ત' પ્રોજેક્ટનો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે કાર્યાન્વિત કર્યો છે.  જે અનુસાર, 100 નંબર ડાયલ કરવાથી તથા રાજ્યના નવનિર્મિત એવા સાત જિલ્લાઓમાં 112 નંબર ડાયલ કરવાથી ત્વરીત મદદ ઉપલબ્ધ થશે તેમજ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડયા હોય કે ઓએલએક્સ પર પૈસા ગુમાવ્યાં હોય તેવા સાયબર ગુન્હા સંદર્ભમાં પણ આ પ્રોજેક્ટ ખૂબ ઉપયોગી થશે. 
અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યં છે. તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌપ્રથમ આ અભિગમની શરૂઆત કરી હતી અને ગુજરાતે આ પ્રોજેક્ટના અમલ માટે તેને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવીના માધ્યમથી શહેર રાજ્યની દરેક જગ્યા પર વોચ રાખીને તેનું પૃથ્થકરણ કરીને માહિતી કે પ્રવૃત્તિને ઇન્વેસ્ટીગેશન ઓફીસર સુધી પહોંચાડી શકાશે. 
ક્રાઇમ રેટ ઘટાડવામાં ગુજરાત પોલીસને બિરદાવતા શાહે જણાવ્યું હતું કે ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજ્યની છબી ધરાવે છે. બદલાતા સમયમાં સાયબર ક્રાઇમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો થયા છે, ત્યારે આ ક્ષેત્રની ગુન્હાખોરી અટકાવવા આ પ્રોજેક્ટ ઉપયોગી થશે જ પરંતુ સાયબર ગુન્હાથી પીડાતા લોકોને સાચા અર્થમાં વિશ્વસનીય રીતે આશ્વસ્ત કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં 7,500 કેમેરાને 1500 લોકેશન પર ગોઠવીને તેનો કમાન્ડ સાથે થતા કોઇ પણ વ્યક્તિ ગુન્હો કરતા જ ઝડપાઇ જાય તેવું પરિણામદાયી બનશે. 
કેન્દ્રિય ગૃહપ્રધાનના હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટના શુભારંભની સાથે રાજ્યના 27 જિલ્લાઓમાં ગઊઝછઅખ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઇ-ઉદ્ધાટન કરાયું હતું. જેમાં કાર્યરત 7 જિલ્લાઓમાંથી 2 જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રિત ગૃહપ્રધાને સંવાદ કરીને માહિતી મેળવી હતી. તેમજ આ સંદર્ભે ઓનલાઇન પેમેન્ટ પોર્ટલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 
વિપક્ષોની આલોચના કરતા શાહે જણાવ્યું હતું કે સીએએ સંદર્ભે પ્રજામાં કોઇ શંકા નથી પરંતુ આ બાબતે શંકા-કુશંકાઓ કરીને અપ્રચાર અને જૂઠાણાના માધ્યમથી શાંતિ ડહોળવાનો પ્રયાસ દેશભરમાં કરાઇ રહ્યો છે. તે દુ:ખની વાત છે. પરંતુ આવા તત્ત્વોથી જનતા ચેતે તેવી તાકીદ તેમણે કરી હતી. 
દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં ગુજરાત રોલ મોડેલ બન્યુ છે તેના પાયામાં સુદ્રઢ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે. આવનારા સમયમાં પડકારોને ઝીલવા માટે ગુજરાત પોલીસ વિશ્વની શ્રેષ્ઠ ટૅકનોલોજીનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ સામે સજ્જતાથી બાથ ભીડી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer