તારાપુર એમઆઇડીસીની ફૅક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ

તારાપુર એમઆઇડીસીની ફૅક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ
આઠનાં મૃત્યુ, 15થી વધુને ઇજા, પાંચ ગંભીર
બોઇસરમાં તારાપુર એમઆઇડીસીની `અંક ફાર્મા' નામની કંપનીના નિર્માણાધીન પ્લાન્ટમાં આજે સાંજે અચાનક ભયાનક વિસ્ફોટ થતા આઠ વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું જણાવાયું હતું અને અન્ય કેટલાંકને ગંભીર ઇજાઓ થઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના પંદર કિલોમીટર વિસ્તારમાં તેનો ભયંકર ધડાકો સંભળાયો હતો અને દસેક કિલોમીટર સુધી ધરતીમાં થોડી ધ્રુજારી અનુભવાઈ હતી. 
કંપનીના પરિસરમાં આવેલી નિર્માણાધીન ઇમારત આ વિસ્ફોટના કારણે ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે કેટલાંક મજૂરો દબાયા હોવાની શંકા હતી. વિસ્ફોટ બાદ લાગેલી આગ આસપાસની ત્રણેક ફૅક્ટરીઓમાં પ્રસરી હતી. તેથી રાહત અને બચાવ કાર્યમાં પણ બાધાઓ આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ તેમ જ એમ્બ્યુલન્સ સાથે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. મોડી રાત્રે મળતા સમાચારો પ્રમાણે ઘટનાસ્થળેથી બે મહિલા સહિત ત્રણ વ્યક્તિના મૃતદેહો મળ્યા હતા અને 15 ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer