સરકાર આદેશ આપે, તો પીઓકે પર કબજો

સરકાર આદેશ આપે, તો પીઓકે પર કબજો
સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણેનું મોટું નિવેદન : ગમે ત્યારે ઉચિત પગલું ભરવા સેના તૈયાર
નવી દિલ્હી, તા. 11 : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ને લઈને સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સરકારનો આદેશ મળતાં જ અમે ગમે ત્યારે પગલું ભરવા તૈયાર છીએ. તેમણે મીડિયા સાથે વાત કરતાં પીઓકેના ભવિષ્ય અંગે જણાવ્યું હતું કે તે ભારતનો હિસ્સો બની શકે છે. જો કે તેમણે એ સ્પષ્ટ પણ કર્યું હતું કે, તે અંગેનો નિર્ણય કેન્દ્ર સરકારે જ લેવાનો રહે છે.
સેનાધ્યક્ષે પાકિસ્તાન અને ચીનના પડકારોના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અમે તૈયાર છીએ. અંકુશરેખા (એલઓસી) પર પાકિસ્તાનના કાવતરાં અંગે આર્મી ચીફે કહ્યું કે, ગુપ્તચર બાતમી અને સેનાની તત્પરતાને કારણે આપણે પાકિસ્તાનના ષડયંત્રોને ધ્વસ્ત કરવામાં સફળ થઈ રહ્યા છીએ.
પીઓકેને ભારતનો હિસ્સો બતાવતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં નિવેદન આપી ચૂક્યા છે. આ અંગેના સંબંધિત સવાલ પર નરવણેએ કહ્યું કે, સંસદીય સંકલ્પ અનુસાર જમ્મુ-કાશ્મીર અખંડ ભારતનો ભાગ છે. જો સંસદ એવું ઈચ્છતી હોય કે, તે ક્ષેત્ર (પીઓકે) પણ આપણામાં સામેલ થઈ જાય, તો તેનાથી સંબંધિત આદેશ જ્યારે પણ આવશે, અમે ઉચિત કાર્યવાહી માટે તૈયાર છીએ.
કલમ-370 સમાપ્ત કરવા અંગેના સવાલ પર સેના પ્રમુખે કહ્યું કે, કાશ્મીરમાં સ્થિતિ સારી છે. તેમણે કહ્યું હતું કે કાશ્મીરની સ્થિતિ પર ઘણું સારું કામ થયું છે પછી તે ખીણ હોય કે એલઓસી હોય. લોકોનું પણ સંપૂર્ણ સમર્થન મળ્યું છે. અમને સ્થાનિક વહીવટીતંત્ર અને ત્યાંની પોલીસનું પણ સમર્થન મળ્યું છે. અનેક વખત ડયૂટી સમયે તરત ફેંસલા લેવાના હોય છે, ત્યારે કમાન્ડરે કોલ લેવો પડતો હોય છે તેનું સન્માન થવું જોઈએ.
સેનાના મૂળભૂત માળખાંમાં સુધારા પર જોર આપતાં નરવણેએ કહ્યું હતું કે અમે પુનર્ગઠન કરી રહ્યા છીએ. ચાર અભ્યાસ થયા છે જે અત્યારે અલગ-અલગ સ્તરે છે. તેને સરકારને આપી દેવાયા છે અને હવે ઔપચારિક મંજૂરીનો ઈંતેજાર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer