આઈસીસી ટી-20 રેન્કિંગમાં કોહલી, ધવનને ફાયદો

આઈસીસી ટી-20 રેન્કિંગમાં કોહલી, ધવનને ફાયદો
કેએલ રાહુલે છઠ્ઠું ક્રમ જાળવ્યું: કોહલી અને શિખર ધવન એક ક્રમ આગળ વધ્યા
નવી દિલ્હી, તા. 11 : શ્રીલંકા સામે ટી 20 શ્રેણીમાં જીત બાદ ભારતીય બેટ્સમેનોને આઈસીસી રેન્કિંગમાં સરસાઈ મળી છે. શીર્ષ ક્રમનો બેટ્સમેન કેએલ રાહુલ બેટ્સમેનની યાદીમાં 6ઠ્ઠા સ્થાને યથાવત્ છે અને ટી20 રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોમાં સૌથી આગળ છે.
રાહુલ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને પણ એક એક ક્રમનો ફાયદો થયો છે. કોહલી નવમા અને ધવન 15માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શ્રીલંકા સામે શ્રેણીમાંથી બહાર રહેલા ઉપકેપ્ટન રોહિત શર્માને એક ક્રમનું નુકસાન થયું છે અને 13મા ક્રમે પહોંચ્યો છે. પાકિસ્તાનનો શીર્ષ બાબર આઝમ ટી20 રેન્કિંગમાં શીર્ષ સ્થાને યથાવત્ છે.
બેટ્સમેનો સાથે ભારતીય બોલરોએ પણ રેન્કિંગમાં ફાયદો મેળવ્યો છે. યુવા ઝડપી બોલર નવદીપ સૈનીએ 147 સ્થાનના ફાયદા સાથે 98મો ક્રમ મેળવ્યો છે. જ્યારે શાર્દુલ ઠાકુર 92માં નંબરે છે. ટીમ ઇન્ડિયાનો મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઠ ક્રમના ફાયદા સાથે 39માં નંબરે છે. ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ 260 રેટિંગ સાથે પાંચમા ક્રમાંકે છે. જ્યારે શ્રીલંકા 236 રેટિંગ સાથે આઠમા નંબરે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer