નાગરિકતા કાયદાનો આશય ધર્મના આધારે પ્રજાને વિભાજિત કરવાનો સોનિયા ગાંધી

કૉંગ્રેસ કારોબારી સમિતિને સંબોધતાં પક્ષપ્રમુખના સરકાર પર આકરા પ્રહાર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 11 : કૉંગ્રેસ કારોબારી સમિતિને શનિવારે સંબોધતાં પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે નાગરિકતા (સુધારિત) કાયદો `ભેદભાવયુક્ત અને વિભાજનકારી' છે અને તેનો `બદઇરાદો' ધર્મના આધારે લોકોને વિભાજિત કરવાનો છે. સોનિયાએ વધુમાં કહ્યું હતું કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)નું સ્વરૂપ અને વિગતો `છુપા વેશમાં નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ' છે.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે અનેક રાજ્યોમાં આપણી સરકાર હોવાથી એક પક્ષ તરીકે એનપીઆર વિશે ડહાપણભર્યો અને સમાન નિર્ણય લેવો રહ્યો. નવા નાગરિકતા કાયદાના અમલથી કેવી `ગંભીર હાનિ' થશે તેની હજારો યુવાનો, મહિલાઓ અને વિશેષપણે વિદ્યાર્થીઓને પ્રતીતિ થઈ છે. કડકડતી ઠંડી તેમ જ પોલીસની બર્બરતા સામે હામ ભીડીને તેઓ શેરીમાં ઊતરી આવ્યા છે. વિદ્યાર્થીઓની હિંમતને હું સલામ કરું છું. વિદ્યાર્થીઓના દેખાવો તીવ્ર બની રહ્યા હોવા છતાં સરકાર ટસથી મસ નથી થતી એ સ્પષ્ટ છે. કોઈ દિવસ એવો પસાર નથી થતો કે ગૃહપ્રધાન અને અમુક દિવસે ખુદ વડા પ્રધાન ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યા છે.
સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, ન્યાય અને મોભા માટેની ભારતની પ્રજાની લડતમાં કૉંગ્રેસ કાર્યકરો તેમની સાથે ખભેખભા મિલાવીને ઊભા રહેશે. ઉત્તર પ્રદેશનાં અનેક શહેરોમાં, જામિયા મિલિયા, જેએનયુ, બીએચયુ જેવી યુનિવર્સિટીઓ તથા બેંગ્લુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ અૉફ સાયન્સમાં પોલીસ અતિરેક અને બળપ્રયોગથી અમે વ્યથિત થયાં છીએ એમ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું.
સીએએ-વિરોધી દેખાવો સાથે સંકળાયેલી ઘટનાઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય પંચ રચવામાં અને અસરગ્રસ્તોને ન્યાય મળે એવી અમારી માગણી છે એમ જણાવીને અર્થતંત્રની હાલ કથળેલી હાલત તથા જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ વિશે પણ સરકાર પર સોનિયા ગાંધીએ પ્રહાર કર્યાં હતાં.
જમ્મુ અને કાશ્મીરની પ્રજા વિશે સોનિયાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરની પ્રજાને તેમના મૂળભૂત અધિકારો નકારાઈ રહ્યા છે, જ્યારે સરકાર પરિસ્થિતિ રાબેતા હોવાના હાંસીપાત્ર દાવા કરે છે અને વિદેશી રાજદ્વારીઓની ટૂર્સ યોજે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer