આઈએએસ અધિકારીઓની ફરિયાદ બાદ પ્લે ગ્રાઉન્ડ પરનું બાંધકામ અટકાવાયું

મુંબઈ, તા. 11 : ફેશન સ્ટ્રીટ પાછળ આવેલા પ્રાઇમ પ્લોટ પર ખાનગી ક્લબ દ્વારા થઈ રહેલા બાંધકામને શહેરના કલેક્ટરે કામ બંધ કરવા અંગેની નોટિસ મોકલાવી છે. ક્લબની બાજુમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા આઇએએસ અધિકારીઓની ફરિયાદના પગલે નોટિસ જારી કરાઈ છે.
રમતગમત વિભાગે ગૌડ યુનિયન સ્પોર્ટસ ક્લબને 1.5 એકરનો પ્લોટ આપ્યો હતો. ક્લબની બાજુમાં આવેલી વેલ હેવન બિલ્ડિંગમાં રહેતા આઇએએસ અધિકારીઓએ એ પટ્ટાની હરિયાળી જાળવી રાખવા ક્લબમાં થઈ રહેલા બાંધકામનો વિરોધ કર્યો. આ જમીન ક્રોસ મેદાનને અડીને આવેલ છે. એમઆઈડીસીના સીઇઓ એન. અન્બાલાગન સહિત અન્ય બે આઇએએસ અધિકારીઓએ કરેલી ફરિયાદના પગલે સિટી કલેક્ટર શિવાજીરાવ જોંધલેએ 3 ડિસેમ્બરે કામ બંધ કરવા અંગે નોટિસ મોકલાવી હતી.
જોંધલેએ જણાવ્યું કે, રમતગમત વિભાગે અમારી પરવાનગી વિના જમીન ખાનગી ક્લબને આપી દીધી. કોઈ પણ જમીનનું ટ્રાન્સફર મહેસૂલ વિભાગ દ્વારા થતું હોય છે. મહેસૂલ વિભાગ પાસેથી પરવાનગી લીધી ન હોવાથી સ્ટે અૉર્ડર આપ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે રમતગમત વિભાગ ગ્રાઉન્ડની જાળવણી કરતું નથી પણ આઈએએસ અધિકારી એની જાળવણી કરવા માગે છે. ગૌડ ક્લબ દ્વારા થઈ રહેલા બાંધકામ વિરુદ્ધ ગયા અૉક્ટોબર મહિનામાં પણ ફરિયાદ આવી હતી.
રમતગમત વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એન.બી. મોરેએ કહ્યું કે, કલેક્ટરે હવે ક્લબને રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાસે પરવાનગી લેવા જણાવ્યું છે. અમે રાજ્ય સરકારે આપેલા આદેશ મુજબ પરવાનગી આપી છે.
ગૌડ ક્લબના સિનિયર અૉફિસ બેરર સંજય નાઇકના કહેવા મુજબ, સરકાર તથા અન્ય સંબંધિત વિભાગો પાસે લેખિત પરવાનગી લઈ કામ શરૂ કર્યું છે. અમને જે કામ માટે પરવાનગી આપી હતી એ પૂરું કર્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer