સીએએ સ્કૂલોમાં અભિયાન સામે આદિત્ય ઠાકરેનો સવાલ, ભાજપનો જવાબ

મુંબઈ, તા.11 : નાગરિકતા સુધારિત કાયદા (સીએએ) સંબંધે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને માહિતી આપવાના ભાજપના અભિયાન સામે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ સવાલો ઉઠાવ્યા છે. ભાજપે આવી ટીકાને ગંદુ રાજકારણ કહીને નકારી કાઢી છે. 
દેશભરમાં મોદી સરકારના આ કાયદા સામે દેખાવો ચાલી રહ્યા છે ત્યારે માટુંગાની દયાનંદ બાલક વિદ્યાલયના હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપના નેતાઓએ આ કાયદાની જાણકારી આપવા અને ગેરસમજો દૂર કરવા સભા કરી હતી, શિવસેનાના યુવા નેતાએ આ અભિયાનને વખોડી કાઢ્યું હતું. ઠાકરેએ ટ્વીટ કર્યું હતું કે સ્કૂલોમાં કોઇ કાયદા સંદર્ભે રાજકીય અભિયાન અકળાવનારું છે. જો આવા કાયદામાં કોઇ ખામી ન હોય તો તેના વિશે અભિયાન ચલાવવાની અને એ પણ સ્કૂલોમાં શું જરૂર છે? સ્કૂલોમાં રાજકારણ ન ચલાવી લેવાય. સ્કૂલોમાં નેતાઓએ લૈંગિક સમાનતા, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધે જાગૃતિ ફેલાવવી જોઇએ.
ભાજપના પ્રવક્તા માધવ ભંડારીએ આક્ષેપ કર્યો હતો કે ઠાકરે અને અન્ય કેટલાક લોકો આ કાયદા સામે ગંદુ રાજકારણ રમી રહ્યા છે. સીએએ રાજકારણનો વિષય જ નથી એ રાષ્ટ્રીય ફરજ છે. દરેક રાષ્ટ્રપ્રેમી વ્યક્તિએ આ અભિયાનમાં જોડાવું જોઇએ. ભાજપે તો દેશભરમાં ઘરે-ઘરે જઇને આ કાયદાની સમજ આપવાનું અભિયાન છેડયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer