અમેરિકા-ઇરાન વચ્ચે તણાવ સોનાના ભાવમાં આ વર્ષે તોફાની વધઘટ

ચેન્નઈ, તા. 11 : અમેરિકા અને ઈરાન વચ્ચેના ઘર્ષણને લીધે દેશના જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગનું માનવું છે કે વર્ષ 2020માં સોનાના ભાવમાં તોફાની વધઘટ રહેશે જોકે, ઉદ્યોગને આશા છે કે સરકારનો ટેકો મળે તો વૉલ્યુમ 10 ટકા જેટલું વધી શકે છે, જે વર્ષ 2019માં 10થી 15 ટકા જેટલું ઘટયું હતું.
અૉલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સિલ (જીજેસી)ના ચૅરમૅન એન અનંત પદ્મનાભને કહ્યું કે જ્યારે ઈરાને મિસાઇલ છોડયા ત્યારે સોનાનો ભાવ 1610 ડૉલરને પાર થયો હતો અને ભારતીય બજારમાં રૂા. 42,000ને પાર ગયો હતો. જોકે, એજ રાતે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિની વાત કરતા ભાવ તરત જ 50 ડૉલર જેટલા ઘટયા હતા. આવી ચઢ-ઉતર 2020માં ચાલતી રહેશે.
યુએસ-ઈરાન ચિંતાને પગલે ભાવમાં વોલેટિલીટી પાંચથી 10 ટકા વધી છે. આનાથી જ્વેલર્સની સ્ટોક માટેની ખરીદશક્તિ ઉપર અસર પડશે.
અગાઉ ડયૂટી ત્રણ ટકા હતી, પરંતુ 2019ના મધ્યથી સરકારે 12.5 ટકા કસ્ટમ્સ ડયૂટી લાદતા કુલ ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) 15.5 ટકા થયો છે. પદ્મનાભને ઉમેર્યું કે જેજીસીએ કેન્દ્રને આગામી બજેટમાં ડયૂટી પાછી ખેંચવાની વિનંતી કરી છે જો કેન્દ્ર આ વાતને માને તો ઉદ્યોગ વોલેટીલિટી સહન કરી શકશે. આ વર્ષ ઉદ્યોગ માટે કટોકટીનું છે. ઉદ્યોગને સરકારના ટેકાની આશા છે જો આમ બને તો વેપાર ગત વર્ષની સરખામણીએ 10 ટકા વધશે. 2018માં ભારતમાં 766 ટન સોનાની આયાત થઈ હતી, જે ઘટીને 2019માં 710 ટન થઈ હતી. આમાંથી 10 ટકાની આસપાસ રોકાણ થયું છે.
આવતા અઠવાડિયે પોંગલ છે અને તે પછી લગ્નસરાની સિઝન શરૂ થશે. તેથી માગ વધશે. એવી ઉદ્યોગને આશા છે. અર્થતંત્રમાં મંદીને લીધે છેલ્લા અમુક સમયથી માગ 25.30 ટકા ઘટી છે.
કસ્ટમ્સ ડયૂટીમાં ઘટાડો ઉપરાંત સરકાર સોનાની ખરીદીમાં પૅન કાર્ડની મર્યાદા રૂા. 2 લાખથી વધારીને રૂા. 5 લાખ કરવાની માગણી કરી છે. ઉપરાંત જેમ્સ અને જ્વેલરીમાં ઈએમઆઈ સુવિધા વધારવા ઉપરાંત હોલમાર્કિંગનો વ્યાપ 14,18 અને 22 કેરેટથી વધારીને 20,23 અને 24 કેરેટ કરવાની માગ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer