સરકારની આવકમાં ઘટ આરબીઆઈ પાસેથી 45,000 કરોડ માગશે?

નવી દિલ્હી, તા.11: સરકારની તિજોરી ઝડપભેર ખાલી થઈ રહી છે અને આવક ધારણા કરતા ઓછી થવાના વાંકે જરૂરી ખર્ચ પૂરા કરવાનું સરકાર માટે કપરું બની રહ્યું છે. આ સ્થિતિમાં સરકારે ફરી એકવાર રીઝર્વ બેન્કની મદદ મેળવવા હાથ આગળ કર્યો હોવાના અહેવાલો છે.
રીઝર્વ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષ (`19-'20)માં કેન્દ્રને રૂ.1.76 લાખ કરોડ જારી કર્યા હતા. ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધી રૂ.1,23,414 કરોડ જારી કરવામાં આવી ચૂકયા છે, જે અત્યાર સુધી એક વર્ષમાં કરાયેલા ટ્રાન્સફર પૈકી સૌથી વધુ છે. તે ઉપરાંત રીઝર્વ બેન્કે એક વાર રૂ.52,637 કરોડ અલગથી ટ્રાન્સફર કર્યા હતા, જેને લઈ ખાસો વિવાદ થયો હતો.
`19-'20ના નાણાંકીય વર્ષ માટે સરકારે મહેસૂલી આવકનું લક્ષ્ય રૂ.19.6 લાખ કરોડનું રાખ્યુ છે, પરંતુ આર્થિક સુસ્તીના કારણે સરકારને આવક ધારણા મુજબ નથી થઈ રહી.કોર્પોરેટ ટેક્ષમાંના કાપના કારણે દર વર્ષે તિજોરી પર રૂ. 1 લાખ કરોડનો બોજ વધી રહ્યો છે. તે ઉપરાંત જીએસટીમાંથી દર મહિને ધારણા મુજબની આવક થઈ રહી નથી.
આ બધી ગતિવિધિઓ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સરકાર રીઝર્વ બેન્કને જણાવશે કે `19-'20ના વર્ષને અપવાદરૂપે માનવામાં આવે અને લાભાંશ જારી કરે. સરકાર આરબીઆઈ પાસેથી રૂ. 35,000 -45,000 કરોડની મદદ માગે તેવી વકી છે. આ વર્ષે વૃદ્ધિ દર ઘટીને પાંચ ટકા પહોંચી ગયો છે. જો કે નવેમ્બર માસમાં મેન્યુફેકચરીંગ સેકટરમાં તેજી આવી છે. આગામી દિવસોમાં તે બે ટકાના દરે વિકાસ કરશે, જે ગયા વર્ષે આશરે 6 ટકાના દરે વિકાસ કરતી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer