હું રાહુલ સાવરકર નથી સત્ય બોલવા બદલ માફી નહીં માગું રાહુલ ગાંધી

હું રાહુલ સાવરકર નથી સત્ય બોલવા બદલ માફી નહીં માગું રાહુલ ગાંધી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.14 : નવી દિલ્હીના રામલીલા મેદાનમાં આજે કૉંગ્રેસની `ભારત બચાઓ રૅલી'માં ગાંધી પરિવારની ત્રણ વ્યક્તિ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા એક મંચ પર આવ્યાં હતાં અને મોદી સરકાર સામે આર્થિક મંદી, દેશમાં કોમી ધ્રુવીકરણ, દેશની સંસદ અને સંવિધાનની અવમાનના તેમ જ મહિલા સુરક્ષાના મુદ્દે આક્ષેપોનો મારો બોલાવ્યો હતો.
ઝારખંડના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ `રેપ ઇન ઇન્ડિયા' વિધાન કર્યું હોવાનો રાજકીય હોબાળો મચ્યા બાદ માફીની માગણી સંબંધે આજે રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક સ્વાતંત્ર્ય વીર સાવરકરની મશ્કરી કરતાં કહ્યું હતું કે હું રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું, સત્ય બોલવા સંબંધે માફી નહીં માગું. રાહુલે કહ્યું હતું કે ગઇ કાલે લોકસભામાં ભાજપના લોકોએ મને માફી માગવાનું કહ્યું હતું. પરંતુ હું તેમને કહેવા માગું છું કે હું રાહુલ સાવરકર નથી, તેથી માફી નહીં માગું. સત્ય બોલવા માટે માફી માગવાની ન હોય. રાહુલે નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ માફી માગે એવી માગણી આ રૅલીમાં કરી હતી. શુક્રવારે લોકસભામાં શાસક પાર્ટી (ભાજપ)ના સભ્યોએ રાહુલના રેપ ઇન ઇન્ડિયા વિધાન બદલ માફી માગવાની માગણી કરતાં હોબાળો મચાવ્યો હતો. 
લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા સુધારા ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ગુરુવારે રાત્રે તેને મંજૂરી આપી. આ ખરડા સંબંધે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધતાં રાહુલે આક્ષેપ કર્યો હતો કે આ વિવાદાસ્પદ ખરડાથી મોદીએ પૂર્વોત્તર ભારતનાં રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં આગ ચાંપવાનું કામ કર્યું છે.
દેશમાં આર્થિક મંદીના મુદ્દે મોદી સરકાર પર હુમલો કરતાં રાહુલે કહ્યું હતું કે આપણા દેશની આર્થિક તાકાત ખૂબ મજબૂત હતી તેથી અન્ય કેટલાય દેશો પણ દેશનો આર્થિક વિકાસ દર નવનો ક્યારે થાય તેના પર નજર રાખીને બેઠા હતા. પરંતુ આજે દેશમાં કાંદાનો ભાવ કિલોના બસો રૂપિયે પહોંચ્યો છે. મોદીજીએ એકલા હાથે દેશના અર્થતંત્રને બરબાદ કરી નાખ્યું છે.
નોટબંધી અને જીએસટીના ભૂલભરેલા અમલનો દોષ વડા પ્રધાનને આપતાં રાહુલે કહ્યું હતું કે આપણે યાદ રાખવું જોઇએ કે વર્ષ 2016માં તેઓ રાત્રે આઠ વાગ્યે ટીવી પર આવ્યા હતા અને નોટબંધીની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે સરકારે મોટા ઉદ્યોગપતિઓની 1.45 લાખ કરોડ રૂપિયાની લોનો માફ કરી છે. ભાજપ દેશના દુશ્મનની માફક વર્તી રહ્યો હોવાનો આક્ષેપ કરીને રાહુલે કહ્યું હતું કે દેશના દુશ્મનો ભારતીય અર્થતંત્રને બરબાદ કરવા માગે છે અને આ કામ મોદીજી એકલા હાથે કરી રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer