ઈશાનની આગ હવે પશ્ચિમ બંગાળમાં ફેલાઈ

ઈશાનની આગ હવે પશ્ચિમ બંગાળમાં ફેલાઈ
નવીદિલ્હી, તા.14 : નાગરિકતા સુધારા કાયદાનાં વિરોધમાં પૂર્વોત્તરમાં ભડકેલી હિંસાની આગની ઝાળ હવે પશ્ચિમબંગાળને પણ લાગી છે. તોફાને ચડેલા દેખાવકારોએ આજે બંગાળમાં બસોને આગ ચાંપી હતી, રેલવેની મિલકતોમાં તોડફોડ મચાવી હતી અને ટ્રેનો અવરોધી હતી. રસ્તા રોકીને માર્ગ પરિવહન પણ ખોરવ્યું હતું. પશ્ચિમબંગાળ ઉપરાંત દેશનાં અન્ય ભાગોમાં પણ વિરોધ જોર પકડી રહ્યો છે. આસામ, મેઘાલય, ત્રિપુરા બાદ હવે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળમાં પણ પ્રદર્શનો શરૂ થયા છે. દિલ્હીમાં તો જામિયા મિલિયા યુનિવર્સિટી શુક્રવારે જાણે યુદ્ધનું મેદાન બની ગઈ હતી અને હવે તમામ પરીક્ષાઓ પાછી ઠેલી દેવામાં આવી છે.
પશ્ચિમબંગાળનાં હાવડા અને મુર્શિદાબાદમાં આજે તોફાન મચી ગયું હતું. દેખાવકારોએ માર્ગો ઉપર ચક્કાજામ કરીને રેલવે સ્ટેશનોમાં તોડફોડ મચાવી હતી. જેને પગલે રેલ વ્યવહાર ખોરવાયો હતો. ઉલુબેરિયા સ્ટેશને ઉગ્ર ટોળાએ ટ્રેનનાં એન્જીન ઉપર પથ્થરમારો કર્યો હતો. સૌથી વધુ રેલ વ્યવહાર મુર્શિદાબાદમાં ખોરવાયો હતો અને જાંગીપુર, મહિપાલ સ્ટેશન આસપાસ ટ્રેનો રોકી દેવામાં આવી હતી. તો કોના એક્સપ્રેસ વે ઉપર ચક્કાજામ કરનાર દેખાવકારોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. મુર્શિદાબાદ જિલ્લાનાં બેલદાંગા રેલવે સ્ટેશનમાં તોફાને ચડેલા પ્રદર્શનકારીઓએ બેફામ તોડફોડ મચાવી હતી અને રેલકર્મીઓને ત્યાંથી નાસી છૂટવાની ફરજ પડી હતી. અહીં સ્ટેશન માસ્ટરની ચેમ્બરને બાળી નાખવામાં આવી હતી. તો ધોરીમાર્ગો ઉપર ટાયર સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યા હતાં. રાજ્યમાં વણસેલી કાયદો અને વ્યવસ્થાની હાલત ધ્યાને લેતાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ શાંતિની અપીલ પણ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer