ગુડવીન જ્વેલર્સના ફરાર ભાઈઓ આખરે કોર્ટના શરણે

ગુડવીન જ્વેલર્સના ફરાર ભાઈઓ આખરે કોર્ટના શરણે
200 કરોડની મિલકતો જપ્ત
રોકાણકારોને તેમની મૂડી પાછી મળવાની આશા
થાણે, તા. 14 : ગુડવીન જ્વેલર્સના માલિકો અને 25 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસના આરોપીઓ સુનિલકુમાર મોહનન અક્કરાકરન અને સુધીરકુમાર મોહનન અક્કરાકરનની શુક્રવારે થાણે પોલીસની આર્થિક ગુના શાખા (ઈએડબ્લ્યુ)એ ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓ થાણેમાં મહારાષ્ટ્ર પ્રોટેકશન અૉફ ઈન્ટરનેટ અૉફ ડિપોઝિટર્સ કોર્ટને શરણે આવ્યા એ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ બન્ને ભાઈઓ સામે ભારતીય દંડ સહિતાની વિવિધ કલમો અને મહારાષ્ટ્ર પ્રોટેકશન અૉફ ઈન્ટરેસ્ટ અૉફ ડિપોઝિટરની કાયદા હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. આર્થિક ગુના શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બન્ને આરોપી ભાઈઓએ ગ્રાહકો અને રોકાણકારોને કોઈ પણ માહિતી આપ્યા વિના ગત 22 અૉક્ટોબરે મુંબઈ, પુણે અને કેરળમાં આવેલી ગુડવીન જ્વેલર્સની 12 શાખાઓ રાતોરાત બંધ કરીને તેઓ કેરળમાં છુપાયા હતા. અમારી ટીમે તપાસ દરમિયાન તેમની મિલકતો, બૅન્ક ખાતાં અને વાહનો જપ્ત કર્યાં છે અને પરિણામે તેમને કોર્ટને શરણે આવવું પડયું હતું, એમ થાણે આર્થિક ગુના શાખાના ડેપ્યુટી કમિશનર સંજય જાધવે કહ્યું હતું.
આ કેસમાં સ્ટોર મૅનેજર અને એકાઉન્ટન્ટસ સહિત બીજા ચાર આરોપીઓ છે, જે હજી નાસતા ફરે છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ કેસની થાણે, મુંબઈ, તામિલનાડુ અને કેરળમાં તપાસ કરવા આર્થિક ગુના શાખાએ ત્રણ ટીમ બનાવી છે.
શાખાએ ગત 31 અૉક્ટોબરે કેસ નોંધ્યો એ બાદ કુલ 1154 રોકાણકારોએ ફરિયાદો નોંધાવી છે. આ ભાઈઓએ જ્વેલરીની લે-વેચ ઉપરાંત બચત સ્કીમ પણ શરૂ કરી હતી, જે હેઠળ 14થી 18 ટકા વચ્ચે વ્યાજ આપવામાં આવ્યું હતું.
આરોપીઓ સામે છેતરપિંડી અને કૌભાંડના નવ કેસ નોંધવામાં આવ્યા છે અને રોકાણકારો તેમ જ ગ્રાહકોને 25 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ બન્ને ભાઈઓએ 2005માં ડોમ્બિવલીમાં સ્ટોર ખોલ્યો હતો. આ વર્ષે ધંધો ઓછો થઈ ગયો ત્યારે તેઓ તેમની પાસેની માલમતા લઈને નાસી છૂટયા હતા અને કેરળમાં છુપાયા હતા.
મુંબઈ અને પુણેના 300 સભ્યો ધરાવતી ગુડવીન ઈન્વેસ્ટર્સ એસોસિયેશને ગત 20 નવેમ્બરે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી નોંધાવી હતી.
પોલીસે 25 કરોડ રૂપિયાની આ છેતરપિંડીના કેસમાં આરોપીઓની 25 મિલકતો, પાંચ ફોર-વ્હીલર, બે ટુ-વ્હીલર કબજે કર્યાં છે અને નવ બૅન્ક ખાતાં સીલ કર્યાં છે.
જપ્ત કરાયેલી મિલકતોમાં ગુડવીન જ્વેલર્સના શોરૂમ, ફલેટ, બંગલો, ફાર્મ હાઉસ, મ્યુચ્યુઅલ ફંડ અને શૅરનો સમાવેશ થાય છે. આ મિલકતોની કિંમત લગભગ 200 કરોડ રૂપિયાની થાય છે.
આ આરોપી ભાઈઓની ધરપકડ થતાં રોકાણકારોને આશા છે કે તેમને તેમના પરસેવાની મૂડી પરત મળી જશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer