દેવેન્દ્ર ફડણવીસ પર સંજય રાઉતનો પ્રહાર હવે દરવાજો ખુલ્લો કરવાથી કાંઈ વળશે નહીં

દેવેન્દ્ર ફડણવીસ પર સંજય રાઉતનો પ્રહાર હવે દરવાજો ખુલ્લો કરવાથી કાંઈ વળશે નહીં
મુંબઈ, તા. 14 : શિવસેનાના નેતા સંજય રાઉતે આજે ફરી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ જનાદેશનો અનાદર કર્યો છે એવી દેવેન્દ્રની ટીકાનો જવાબ આપતાં સંજય રાઉતે કહ્યું હતું કે અમે દેવેન્દ્રનાં કોઈ પણ નિવેદનને ગંભીરતાથી લેતા નથી. રાઉતે વધુમાં કહ્યું હતું કે હવે ચર્ચાનો સમય નીકળી ગયો છે આથી કોઈ પણ દરવાજા ખુલ્લા ન રાખે.
સંજય રાઉતે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ વિરોધી પક્ષના નેતા તરીકે બોલે છે. તેમની પાસેથી રાજ્યને અલગ અપેક્ષા છે. તેમનો અને અમારો ડીએનએ વિરોધ પક્ષનો છે. આથી અમારું સારું જામશે.
દેવેન્દ્ર ફડણવીસે એક મુલાકાતમાં કહ્યું હતું કે શિવસેના માટે ભાજપના દરવાજા ખુલ્લા છે. રાઉતે આનો જવાબ આપતાં કહ્યું કે જ્યારે દરવાજા ખોલવાના હતા ત્યારે તેના પર તાળું લગાડીને બેસ્યા હતા. જે ડીલ નક્કી થઈ હતી એને સ્વીકારવા તૈયાર નહોતા. હાલનું ચિત્ર કેવી રીતે તૈયાર થયું એનો વિચાર તેમણે કરવો જોઈએ. રાજ્યમાં મજબૂત વિરોધ પક્ષની પરંપરા છે અને દેવેન્દ્રે આ પરંપરા આગળ વધારશે. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારને હરાવવાનો પ્રયાસ કરાયો હતો. હવે અમારે તેમાં પડવું નથી. તે કાલખંડ સમાપ્ત થયો છે માટે હવે કોઈએ કોઈને માટે દરવાજો ખુલ્લો રાખવાની જરૂર નથી.
રાઉતે એવો દાવો કર્યો હતો કે અમે વિધાનસભા ચૂંટણી અલગ લડી હોત તો અમે પણ 100થી વધારે બેઠક જીત્યા હોત. આ દરેકના આત્મવિશ્વાસનો પ્રશ્ન છે અને અત્યારે એની ચર્ચા કરવી નિરર્થક છે. આને બદલે રાજ્યના પ્રશ્નો પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. હવે અમને જે ભૂમિકા મળી છે એ નિભાવીશું.
સંજય રાઉત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરે છે એ બદલ દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી હતી. સંજય રાઉતે એના જવાબમાં કહ્યું હતું કે હું કોઈની વ્યક્તિગત ટીકા કરતો નથી. નરેન્દ્ર મોદી માટે મારા મનમાં આદર છે. ભાજપના નેતા ભૂતપૂર્વ વડા પ્રધાનો પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સાતત્યથી ટીકા કરે છે. આ બધાએ ભારત દેશના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એ ભૂલી જવાય નહીં. પાંચ વર્ષમાં ભારત દેશ બન્યો નથી. 60 વર્ષની જહેમત બાદ ભારત દેશનું નિર્માણ થયું છે. દેશના ઘડતરમાં કૉંગ્રેસનું મોટું યોગદાન છે, આનો યશ કૉંગ્રેસને આપવો જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer