માહિમમાં ઊર્સની શાંત ઉજવણી

માહિમમાં ઊર્સની શાંત ઉજવણી
ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય એની ખાસ ખેવના રાખવામાં આવી રહી છે
મુંબઈ, તા.14 : માહિમમાં સુફી સંત પીર મખદૂમ શાહ માહિમીનો ઉર્સ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. 11 ડિસેમ્બરથી શરૂ થયેલા અને 20 ડિસેમ્બર સુધી ચાલનારા ઉર્સમાં ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય એ માટે જોરદાર પ્રયાસો થઇ રહ્યા છે. ઉર્સમાં આવતા આસ્થાળુઓને દરગાહમાં શાંતિથી માથું ટેકવવાની અપીલ ધાર્મિક નેતાઓ પણ કરી રહ્યા છે. પોલીસે પણ ઉર્સમાં ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય એ માટે ખાસ વર્કશોપ યોજ્યો હતો.
દરગાહમાં માથું ટેકવવા આવેલા શ્રદ્ધાળુ મોહંમદ જુબેર તવકલના જણાવ્યા પ્રમાણે પોલીસ અધિકારીઓએ તાલિમ શિબિર યોજી હતી અને સૂચના આપી હતી કે પોલીસ પણ પોતાના વાહનો દરગાહથી દૂર પાર્ક કરશે અને દરગાહ સુધી ચાલીને જશે જેથી ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય. મૌલાનાઓએ પણ તમામ શ્રદ્ધાળુઓને સૂચના આપી હતી કે દરગાહની આસપાસના રહેવાસીઓને કોઇ અગવડ ન પડે એ ધ્યાનમાં રાખીને આપણે આનંદ અને શાંતિથી ઉર્સની ઉજવણી કરવાની છે.
દરગાહના મેનેજિંગ ટ્રસ્ટી સોહૈલ ખંડવાણીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ તરફથી આઠ ઇસ્લામના જાણકારોને શ્રદ્ધાળુઓને સમજાવવા માટે નિમાયા છે, જેઓ એવું સમજાવી રહ્યા છે કે પરંપરાગત વિધિ દરમિયાન આપણે બને એટલો ઓછો અવાજ થાય એની કાળજી લેવી જોઇએ. સરઘસોમાં વપરાતા સાધનો પણ ઓછો અવાજ કરે એવા વાપરવાની સૂચના આપી છે. શુક્રવારે પ્રાર્થનામાં મૌલાનાએ જાહેરાત પણ કરી હતી કે આપણે ઉર્સની ઉજવણી દરમિયાન આ વિસ્તારના લોકોની શાંતિનો પણ વિચાર કરવો જોઇએ. લગભગ 95 ટકા જેટલા સરઘસો ખૂબ જ શાંતિથી કાઢવામાં આવ્યા હતા.
માહિમ વિભાગના સહાયક પોલીસ કમિશનર આજિનાથ સાતપુતેએ કહ્યું હતું કે માહિમ જંક્શન ખાતે અમે ખાસ ઓફિસર તહેનાત કર્યા છે, જે શ્રદ્ધાળુઓને તેમના વાહનો દરગાહથી દૂર પાર્ક કરવાની સૂચના આપે છે અને ચાલીને જ દરગાહ સુધી જવાની અપીલ કરી રહ્યા છે. લોકો દરગાહ સુધી મોટા અવાજ કરતા સંગીતના વાદ્યો ન લઇ જાય તેની પણ સૂચના આપવામાં આવે છે. 20 ડિસેમ્બર સુધી ચાલનારા આ ઉર્સમાં પાંચ લાખ લોકો દરગાહમાં માથુ ટેકવવા આવશે એવી ધારણા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer