અમૂલનું દૂધ આજથી લિટર દીઠ બે રૂપિયા મધર ડેરીનું ત્રણ રૂપિયા મોંઘું

અમૂલનું દૂધ આજથી લિટર દીઠ બે રૂપિયા મધર ડેરીનું ત્રણ રૂપિયા મોંઘું
ડુંગળી, કઠોળ, પેટ્રોલ અને શાકભાજી પછી હવે દૂધની મોંઘવારી
નવી દિલ્હી, તા.14 : ઘરના બજેટ ખોરવી નાંખતી મોંઘવારીને લીધે ફુગાવો ત્રણ વર્ષની ઉંચાઇ ઉપર છે ત્યાં લોકોના ખિસ્સા ખંખેરાઇ જાય એવો ભાવવધારો દૂધમાં આવી પડયો છે. દિલ્હી-એનસીઆરમાં મધર ડેરીએ રૂ. 3 પ્રતિ લીટર જેટલો ભાવ ઉંચકાવી નાંખતા ગુજરાત, મુંબઇ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં આવતીકાલ રવિવારથી લાગુ પડે તે રીતે દૂધનો ભાવ પ્રતિ લીટર રૂ. 2 વધારી દેવાયો છે. અમૂલ શક્તિ ભાવવધારામાંથી બાકાત રખાયું છે. તાજા અને ગોલ્ડ બન્ને દૂધ મોંઘા થઇ ગયા છે. મધર ડેરી અને અમૂલને પગલે હવે સૌરાષ્ટ્રની ખાનગી ડેરીઓ પણ રૂ.1થી 2 જેટલો વધારો ગમેત્યારે કરી નાંખશે.
અમૂલે કહ્યું કે ગોલ્ડનું અર્ધા લીટરનું પેકેટ રૂ. 28માં મળશે. તાજા રૂ. 22માં મળતું થશે. શક્તિ રૂ. 25ના જૂના ભાવથી જ મળશે. ભેંસના દૂધનો ભાવ લીટરે રૂ. 56થી વધીને રૂ. 58, ટી સ્પેશ્યલના રૂ. 50થી વધી રૂ. 51, ગાયના દૂધના રૂ. 44થી વધીને રૂ. 46 થયા છે. ચા મઝાનો ભાવ રૂ. 42થી વધારીને રૂ. 44 કરવામાં આવ્યો છે. બીજી તરફ દિલ્હીમાં મધર ડેરીનું બુલ્ક મિલ્ડેડ દૂધ રૂ.40માંથી 42નું થયું છે. ફૂલ ક્રીમ મિલ્ક રૂ. 53 હતુ તેના રૂ. 55 પ્રતિ લીટર થયા છે. ફૂલ ક્રીમ પ્રિમિયમનો ભાવ રૂ. 58થી વધીને રૂ. 60 થયો છે.
અમૂલે દૂધના ભાવવધારા અંગે કહ્યું હતુ કે, પાછલા ત્રણ વર્ષમાં અમૂલ દ્વારા બે વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવવધારો ફક્ત રૂ. 4 જેટલો છે તે વાર્ષિક 3 ટકા નજીક જ છે. દૂધના ભાવવધારાને કારણે ફુગાવા ઉપર ખાસ અસર નહીં પડે. ચાલુ વર્ષે કેટલફીડના ભાવમાં 35 ટકા કરતા વધુ વધારો થઇ ગયો છે. પશુધન પાછળ થતું અન્ય ખર્ચ પણ વધતું જતું હોવાથી દૂધ ઉત્પાદકોના સંગઠનોએ ભાવવધારાની માગણી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer