સરકારને દેશના ધ્રુવીકરણની જ ખબર છે રાહુલ

સરકારને દેશના ધ્રુવીકરણની જ ખબર છે રાહુલ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.14 : રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નાગરિકત્વ સુધારા બિલ પસાર થયા બાદ પશ્ચિમ બંગાળ તેમ જ પૂર્વોત્તર ભારતનાં રાજ્યોમાં હિંસક પ્રદર્શનો અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 હટાવાયા બાદની સ્થિતિ વિશે રાહુલે કહ્યું હતું કે કાશ્મીર, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા સહિતનાં રાજ્યોમાં જઇને જુઓ આ રાજ્યો ભડકે બળી રહ્યાં છે. સરકાર જનતાનું ધ્રુવીકરણ કરી રહી છે અને દેશને નબળો પાડી રહી છે. સત્તા માટે મોદીજી ગમે તે કરી શકે છે. પોતાની આવી છબી માટે ખુદ મોદીજી જ જવાબદાર છે.
ભાજપ સામે આક્ષેપ કરતાં રાહુલે કહ્યું હતું કે પાંચ મહિના અગાઉ દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવા તમે મોદીજીને પસંદ કર્યા હતા. પરંતુ તેઓ દેશને મજબૂત કરવામાં નિષ્ફળ રહ્યા છે, તેમણે આ કામ નથી કર્યું. આજે દેશનો વિકાસ દર ચાર ટકા જ છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મેં સંસદમાં પુછ્યું હતું કે કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે તો સરકારે કહ્યું કે અમને ખબર નથી. તેઓને માત્ર વિવિધ મુદ્દે દેશના ધ્રુવીકરણની જ ખબર છે. રાહુલ ગાંધીએ બહોળા પ્રમાણમાં હાજર કૉંગ્રેસના કાર્યકરોને સરકાર સામે અવાજ ઉઠાવવા અને દેશને બચાવવાની અપીલ કરી હતી.
`મોદી હૈ તો મુમકિન હૈ' સૂત્રની પ્રિયંકાએ ઉઠાવી ઠેકડી
વિવાદાસ્પદ નાગરિકતા સુધારા કાયદો તથા અર્થતંત્રની હાલત વિશે નરેન્દ્ર મોદીની સરકાર પર પ્રહાર કરીને કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વડરાએ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવા પ્રજાને હાકલ કરી હતી.
અત્રે રામલીલા મેદાનમાં ભારત બચાવો રૅલીને સંબોધતાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે આ કાયદો દેશના વિભાજન માટેનું કારણ બનશે. જો અત્યારે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો દેશ વધુ વિભાજિત થશે. વડા પ્રધાન મોદીની ટીકા કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે કાયદા જે રીતે પસાર કરાઈ રહ્યા છે તે ગેરબંધારણીય છે.
`મોદી હૈ તો મુમકિન હૈ'ના ભાજપના સૂત્રની હાંસી ઉડાવતાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે અખબારોમાં અને બસ સ્ટોપો ખાતે આપણને આ જાહેરાતો જોવા મળે છે, પરંતુ વાસ્તવિકતા એવી છે કે કાંદા 100 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે, બેરોજગારી 45 વર્ષમાં સૌથી ટોચે છે, અર્થતંત્ર ડગુમગુ છે, જાહેરક્ષેત્રના નવરત્ન ઉપક્રમો વેચાઈ રહ્યા છે, ભારતીય રેલવેનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને 15 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. માત્ર મોદી સરકાર હેઠળ જ આવું સંભવ છે.
ઉન્નાવ દુષ્કર્મ પીડિતા વિશે વાત કરતા પ્રિયંકાએ તેમના પિતાની યાદ અપાવી હતી અને જણાવ્યું હતું કે ઉન્નાવની દીકરીનું લોહી દેશની સાથે ભળ્યું છે, જેવું કે મારા પિતાનું લોહી ભળ્યું હતું.
આર્થિક કટોકટી વિશે પણ મોદી સરકાર પર પ્રિયંકાએ પ્રહાર કર્યાં હતાં અને કહ્યું હતું કે આપણું અર્થતંત્ર એવા દરે વિકસી રહ્યું હતું કે તેના પ્રત્યે વિશ્વનું ધ્યાન આકર્ષાયું હતું, પરંતુ મોદી સરકારનાં છ વર્ષમાં અર્થતંત્ર ખાડે ગયું છે, લોકો નોકરી ગુમાવી રહ્યા છે, ફેકટરીઓ બંધ પડવા માંડી છે.
મોદી સરકાર દેશને વિભાજિત કરી રહી છે : સોનિયા ગાંધી
કૉંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદી સરકાર દેશના ભાગલા પાડી રહી છે અને જણાવ્યું હતું કે વિવાદાસ્પદ નાગરિકત્વ સુધારા કાયદો ભારતના આત્માને જ ખતમ કરી નાખશે.
અહીં રામલીલા મેદાન ખાતે ભારત બચાવ રૅલીને સંબોધતાં ગાંધીએ કહ્યું હતું કે તેઓ નાગરિકત્વ સુધારા કાયદો લઈ આવ્યા છે જે ભારતના આત્માને જ હણી નાખશે. સંસદ અને બંધારણીય સંસ્થાઓનું માન નહીં જાળવવાનો પણ તેમણે મોદી સરકાર પર આક્ષેપ કર્યો હતો.
તેમણે આક્ષેપ કર્યો હતો કે આ સરકારને સંસદ કે સંસ્થાઓ માટે કોઈ સન્માન નથી. તેમનો એકમાત્ર એજન્ડા લોકોમાં ભાગલા પડાવીને તેમને લડતા રાખવાનો છે. જમ્મુ અને કાશ્મીરમાં 370મી કલમ રદ કરવામાં સરકારના પગલાંની ટીકા કરતાં સોનિયાએ કહ્યું હતું કે હવે એવો સમય આવ્યો છે કે તેઓ કાયદો બદલીને રાજ્યનો દરજ્જો જ બદલી નાખે છે. પ્રતિદિન બંધારણને તોડવામાં આવે છે. સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ બંધારણ અને દેશ માટે લડયા હતા, પણ હવે તેને ખતમ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કૉંગ્રેસ તેનો પ્રતિકાર કરશે.
તેમણે એવો પ્રશ્ન પણ કર્યો હતો કે કેન્દ્ર સરકારની `નવરત્ન' કંપનીઓ કોને વેચવામાં આવી રહી છે?
તેમણે કહ્યું હતું કે લોકો હવે બૅન્કોમાં નાણાં મૂકતાં ગભરાય છે. દેશનાં ખેડૂતોની હાલત અતિ નાજુક છે. લોકશાહીને બચાવવા અમે કોઈ પણ બલિદાન આપવા તૈયાર છીએ અને બંધારણને બચાવવા અમે સંઘર્ષ કરવા તૈયાર છીએ. કૉંગ્રેસ ઝૂકશે નહીં અને બંધારણને બચાવવા છેલ્લા શ્વાસ સુધી લડી લેશે.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે પણ દેશની આર્થિક કટોકટી માટે સરકારને દોષિત ગણાવતાં કહ્યું હતું કે દેશના યુવાનો અને ખેડૂતોને આપેલાં વચન પૂરાં કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરનું થશે અને દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી મળશે, પરંતુ આ બધું ખોટું પુરવાર થયું છે અને એ સાબિત થયું છે કે તેઓ રાષ્ટ્ર સમક્ષ જૂઠું બોલ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer