બુમરાહ-પંડ્યાએ એનસીએ જવાનો કર્યો ઈનકાર

બુમરાહ-પંડ્યાએ એનસીએ જવાનો કર્યો ઈનકાર
ભુવનેશ્વરને ફરી ઈજાથી એનસીએના વિશેષજ્ઞો ઉપર ઊઠી રહેલા સવાલ
નવી દિલ્હી, તા. 14 : ભુવનેશ્વર કુમારની ઈજાએ ફરી એક વખત એનસીએની પોલ ખોલી નાખી છે અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં કામ કરી રહેલા વિશેષજ્ઞોની યોગ્યતા ઉપર સવાલ ઉભા થયા છે. કારણ કે એનસીએના વિશેષજ્ઞોએ જ ભુવનેશ્વર કુમારને ક્લિન ચીટ આપી હતી. હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરાહે પણ રીહેબ માટે એનસીએ જવાનો ઈનકાર કર્યો છે. 
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે, પ્રોટોકોલ મુજબ કરાર ઉપરના ખેલાડીઓને રીહેબ માટે એનસીએ જવું પડે છે પણ પંડયા અને બુમરાહે સ્પષ્ટ કર્યું છે કે તે બેંગલુરૂ જશે નહી. અધિકારીના કહેવા પ્રમાણે ખેલાડીઓ ઉપર પુરતી નજર છે અને ખેલાડીઓ પોતે પણ ઈજાને લઈને ગંભીર છે. જેના કારણે એનસીએની કામગીરી ઉપર પૂરતુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ આવી પરિસ્થિતિમાં ખેલાડીઓને નિર્ણય લેવા માટે આઝાદી આપવી પડે છે. ભુવનેશ્વર કુમારને હર્નિયાની તકલીફ છે અને વિશ્વકપ બાદ સતત અંદર બહાર થઈ રહ્યો છે. ભુવનેશ્વર 100 ટકા ફીટ થવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ એનસીએ ભુવીની ઈજાને સમજવામાં નાકામ રહ્યું છે. જેના કારણે માત્ર બે મેચ રમીને ફરી ઈજાગ્રસ્ત થયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer