બજેટ તા.1 ફેબ્રુઆરીએ, આર્થિક સર્વે 31 જાન્યુ.એ રજૂ થશે

નવી દિલ્હી, તા. 14: 2020-21ના વર્ષનું કેન્દ્રિય બજેટ આગામી તા. પહેલી ફેબ્રુઆરીએ અને આર્થિક સર્વે તા. 31મી જાન્યુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે એમ નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. પહેલી તારીખે શનિવાર છે અને તે રજાનો દિવસ હોય છે, તે જોતાં એવી અટકળો લગાવાતી હતી કે સામાન્ય બજેટ પહેલી ફેબ્રુઆરીના બદલે તા. ત્રીજી ફેબ્રુઆરીએ સોમવારે રજૂ કરાશે?- જો કે સરકારે હવે તેનો જવાબ આપી દીધો છે. '15-'16 બાદ પહેલી વાર બજેટ શનિવારે રજૂ કરવામાં આવી રહ્યાનું બનશે.
શનિવાર રજાનો દિવસ હોવા છતાં શું ફેબ્રુઆરીના પ્રથમ દિવસે બજેટ રજૂ કરવાની પરંપરા જાળવવામાં આવશે?-એવા પ્રશ્ને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે પરંપરા જળવાયેલી રહેશે.બજેટ (ફેબ્રુ.ના) કામકાજના અંતિમ દિવસની બદલે કામકાજના પ્રથમ દિવસે રજૂ કરવા મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં નિર્ણય કર્યો હતો.'17-'18નું બજેટ તા.1 ફેબ્રુઆરીએ રજૂ કરાયું હતું, તે પછી એ પરંપરા જળવાતી આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer