મેટ્રો કારશેડ માટે વનશક્તિએ સૂચવી છ વૈકલ્પિક જગ્યા

મુંબઈ, તા. 14 : આરે મેટ્રો કારશેડ પ્રકરણમાં રાજ્ય સરકારે નિમેલી સમિતિને `વનશક્તિ' નામની સ્વૈચ્છિક સંસ્થાએ એક નિવેદન સુપરત કરીને કારશેડ માટે છ વૈકલ્પિક જગ્યાઓ સૂચવી છે, જેમાં બેકબે, કાલીના, બીકેસી, મહાલક્ષ્મી, સીપ્ઝ અને કાંજુરમાર્ગ ખાતેની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરેમાં કાપવામાં આવેલા વૃક્ષોથી ઉદ્વસ્ત થયેલા તુકારામ ગાર્ડન, છોટા કાશ્મીર અને પિકનિક પૉઈન્ટનું તત્કાળ સમારકામ કરવામાં આવે એવી વિનંતી પણ આ નિવેદનમાં કરવામાં આવી છે.
`વનશક્તિ'ના ડિરેકટર સ્ટાલીન ડી.એ આ નિવેદન આપ્યું છે. મેટ્રો કારશેડ માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને 62 હેકટર જમીન લીધી હતી, જે ઈકો સેન્સિટીવ ઝોનમાં હતી. એ જમીન પર 36થી વધુ જાતનાં ત્રણ હજારથી વધુ વૃક્ષો હતાં. ઉપરાંત ત્યાં નદીનું પટ પણ હતું. આથી એ વિસ્તારનું રક્ષણ કરવું આવશ્યક છે એવું પણ તેમણે જણાવ્યું છે.
મેટ્રો કારશેડ માટે કેટલી જગ્યા જોઈએ એ અંગે પણ `વનશક્તિ'એ સંશોધન કર્યું હતું અને કારશેડ માટે 15 હેકટરથી વધુ જમીનની જરૂર નથી એવું સંશોધનમાં જણાવ્યું હતું. દિલ્હી મેટ્રોનું કારશેડ માત્ર 4 હેકટરથી 18 હેકટર જમીન પર છે, એમ પણ જણાવાયું છે.
સંસ્થાએ સૂચવેલાં છ સ્થળોએ જંગલ કે વૃક્ષો નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer