સાવરકરનું અપમાન નહીં કરો રાહુલના મહેણાં બાદ શિવસેનાની ચીમકી

મુંબઈ, તા.14 : હું રાહુલ સાવરકર નથી, સત્ય બોલવા બદલ માફી નહીં માગું, એવા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વિધાન બાદ શિવસેના સમસમી ગઇ છે. શિવસેના તરફતી જણાવાયું હતું કે અમે કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુને સન્માન આપીએ છીએ તેમ કૉંગ્રેસે પણ વીર સાવરકર વિશે કોઇ અયોગ્ય વિધાનો ન કરવા જોઇએ. સ્વતંત્રતાની લડાઇમાં બ્રિટિશ રાજ સામે લડી રહેલા વીર સાવરકરને અંદામાનની જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે જેલમાંથી વહેલો છૂટકારો થાય એ માટે સાવરકરે બ્રિટિશ રાજની લેખિતમાં માફી હોવાના આક્ષેપો થયા છે, કદાચ રાહુલ ગાંધી આ ઘટનાનો ઉલ્લેખ કરવા માગતા હતા. 
જોકે મહારાષ્ટ્રમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સાથેની યુતિ તોડીને શિવસેનાએ સરકાર બનાવવા માટે કૉંગ્રેસ અને એનસીપીનો સાથ લીધો છે. હિંદુત્વની વિચારધારાને વરેલી શિવસેના વીર સાવરકરને પ્રખર હિંદુત્વવાદી નેતા માનીને દેવની જેમ પૂજે છે. અગાઉ કૉંગ્રેસના સત્તાકાળમાં પણ અંદામાનની જેલમાંથી સાવરકરની તકતી હટાવાઇ ત્યારે કેન્દ્રના પ્રધાન મણિશંકર ઐયરનો જોરદાર વિરોધ શિવસેનાએ કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer