સીએના વિદ્યાર્થીઓને લેટેસ્ટ ટેક્નૉલૉજીની જાણકારી અપાશે

મુંબઈ, તા. 14 : ઇન્સ્ટિટયૂટ અૉફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અૉફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ જી. રામસ્વામીના જણાવ્યા મુજબ દેશમાં બેથી ત્રણ લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે.
કોઈમ્બતૂર ખાતે આયોજિત ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા. રામસ્વામીએ વધુમાં જણાવ્યું કે ઇન્સ્ટિટયૂટે ઇન્ટરનેશનલ ટેક્સેશનના અભ્યાસ માટેની સુવિધા શરૂ કરી છે.
થોડી પરીક્ષાઓ પાસ કર્યા બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇંગ્લૅન્ડ - વેલ્સ અને આંતરરાષ્ટ્રીય સીએ ઇન્સ્ટિટયૂટના સભ્ય બની શકે છે. આ પ્રકારના પ્રોફેશનલ્સની માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ માગ છે. એ સાથે કોન્ફરન્સમાં ભાગ લેનારાઓને વિનંતી કરી હતી કે આવી તકનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.
એક સવાલના જવાબમાં જી. રામાસ્વામીએ જણાવ્યું કે, ઘણાં વ્યવસાયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે હકીકતો અને પુરાવાઓના આધારે કામ કરવાનું હોય છે. એક વખત ડાટા તરીકે એ રેકોર્ડ થઈ જાય તો ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી એક્ટ અંતર્ગત એ પુરાવા હેઠળ આવે છે. એટલે ઇન્સ્ટિટયૂટે દરેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે યુનિક ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (યુડીઆઈએન) લેવાનું ફરજિયાત બનાવ્યું છે.
એ જ રીતે ઇન્સ્ટિટયૂટે ટેક્નિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે જેના અંતર્ગત સીએના વિદ્યાર્થીઓને નવા ટેક્નૉલૉજી અપડેટ્સ મળતા રહે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer