કુલ્લુ-મનાલી, કાશ્મીર સહિત વિવિધ ભાગમાં ભારે હિમવર્ષા

મેદાની રાજ્યોમાં કાતિલ ઠંડી 
નવી દિલ્હી,તા. 14:  હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી રહી છે. જેના કારણે હવે જનજીવન પર અસર થઇ રહી છે. એકબાજુ હિમાચલપ્રદેશના કુલ્લુ-મનાલીમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. બીજી બાજુ કાશ્મીર-લડાખ હાઇવે પણ ભારે હિમવર્ષા થઇ રહી છે. હિમવર્ષા, કરા સાથેવરસાદના કારણે હાલત કફોડી બની રહી છે. ઉત્તર ભારતના હવામાનની સ્થિતીમાં જોરદાર પલટો આવ્યો છે. મોટા ભાગના રાજ્યોમાં પારો ગગડી ગયો છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના મેદાની રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. કાશ્મીરમા અવિરત ભારે હિમવર્ષાના કારણે સતત વિમાની સેવાને અસર થઇ રહી છે. પ્રતિકુળ હવામાનની સ્થિતિના કારણે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગની સાથે સાથે વાહન વ્યવહાર પર માઠી અસર થઇ રહીછે. જમ્મુના વૈષ્ણોદેવી વિસ્તારમાં પણ સિઝનમાં પ્રથમ વખત હિમવર્ષા થઇ છે. ગંગોત્રી અને યમનોત્રી ધાર્મિક વિસ્તારમાં છ ઇંચ સુધી બરફ પડતા ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. હવામાનમાં આવેલા પલટા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે.  ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે. કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે.  કેદારનાથમાં પણ ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer