કાંદાના વેપારીઓની સ્ટોક મર્યાદા હટાવવા માગણી

પૂણે, તા. 14 : બજારમાં કાંદાની આવકો વધી હોવાને પગલે નાશિક જિલ્લાના કાંદાના ખેડૂતો અને વેપારીઓ કેન્દ્ર સરકારને સ્ટોક હોલ્ડિંગ મર્યાદા હટાવવા રજૂઆત કરશે. નાફેડના ડિરેક્ટર નાનાસાહેબ પાટિલે જણાવ્યું કે આ બાબતે સ્થાનિક સાંસદ ભારતી પવાર શહેરમાં આવશે, તે સમયે હાલની સ્થિતિ વિશે તેમની તેમજ નાશિક જિલ્લાના કલેક્ટર સાથે ચર્ચા માટે બેઠક યોજાવાની છે. 
પાટીલે જણાવ્યું કે કાંદાની ભારે તંગી પછી હવે આવકો ધીમે ધીમે વધી રહી છે અને ખૂડતોએ ખરીફ પાકની લણણી શરૂ કરી છે. રવિ સીઝનથી ઉલટું ખરીફ કાંદા સંગ્રહી શકાતા નહીં હોવાથી ખેડૂતોએ પોતાનો પાક તરત વેચી દેવાની ફરજ પડશે. આ સ્થિતિમાં વેપારીઓ માટે 250 ક્વિન્ટલનું સ્ટોક નિયંત્રણ હોવાથી, જો બજારમાં આવકો વધશે, તો વેપારીઓ ખરીદી કરી શકશે નહીં. આ સંજોગોમાં જથ્થા નિયંત્રણ યોગ્ય નથી.
આ બેઠકમાં રજૂ કરવા માટે પુરવઠા અને માગ તેમજ બજારમાં કાંદાની આવકો અને ભાવનો ડેટા એકત્ર કરાશે, જેથી ખેડૂતોને નુકસાન ટાળી શકાય.
કાંદાના મોડલ ભાવ એક સપ્તાહ અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂા. 11000થી ઘટીને શુક્રવારે લગભગ રૂા. 6000-7000 નોંધાયા હતા. લાસલગાંવ મંડીમાં શુક્રવારે કાંદાના સરેરાશ ભાવ રૂા. 5100 પ્રતિ ક્વિન્ટલ હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer