કાંદાના ભાવ ઊંચા રહ્યા તો રેસ્ટોરન્ટો ખાદ્ય ડિશોના ભાવ વધારશે

મુંબઈ, તા. 14 : શહેરમાં કાંદાના ભાવ જો ઘટી કિલોદીઠ રૂા. 60ની સપાટીએ નહીં આવી જાય તો રેસ્ટોરન્ટોએ જે ખાદ્યચીજોની ડિશોમાં કાંદા હશે તેના ભાવ વધારવા પડશે.
ગયા સપ્તાહે શહેર અને પરાંના શાકભાજી માર્કેટોમાં કાંદાના ભાવ ઊછળી કિલોદીઠ રૂા. 160થી 170ને સ્પર્શ્યા હતા. જોકે, સોમવારથી ભાવ ઘટવાં તરફ વળતાં જણાયાં હતાં અને 30 ટકા સુધી ઘટયા હતા. કારણ કે ખેડૂતો ઊંચા ભાવનો લાભ લેવા જથાબંધ બજારમાં વધુ કાંદા વેચવા લાવવા લાગ્યા હતા.
હવે કાંદાના ભાવ આગામી એક અઠવાડિયાથી 10 દિવસમાં કેટલા ઘટે છે તેની રાહ જોયા પછી રેસ્ટોરન્ટવાળા તેની ખાધ ડિશોના ભાવ વધારશે એમ ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટારન્ટ એસોસિએશન (આહાર)એ જણાવ્યું હતું.
આમ તો કાંદાના ભાવે જે ઝડપે ઊંચકાઈ જતાં રેસ્ટોરન્ટ્સ અને હોટેલોએ કાંદાવાળી આઈટમો (ખાદ્યચીજો) બનાવવાનું ઘટાડી દીધું હતું. આ સ્થિતિ આગળ ઉપર ચાલુ રહી તો ડિશોના ભાવ વધારવા સિવાયનો વિકલ્પ નથી. વાસ્તવમાં મુંબઈમાં લગભગ બધી જ ખાદ્ય ડિશોમાં કાંદાની ગ્રેવીનો વાપર થતો હોય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer