રામમંદિર માટે દરેક પરિવાર આપે એક ઇંટ અને રૂ. 11 યોગી

લખનૌ/રાંચી, તા. 14 : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા અંગે વિવાદ સર્જાય તેવું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ અયોધ્યામાં રામમંદિર માટે દરેક પરિવાર પાસેથી 11 રૂપિયા અને એક ઈંટનું યોગદાન આપવા કહ્યું હતું. આ પહેલો પ્રસંગ છે કે મુખ્યમંત્રી કદના કોઈ ભાજપ નેતાએ મંદિરના નિર્માણ માટે લોકો પાસેથી યોગદાન આપવા કહ્યું છે. મુખ્યમંત્રી યોગી ઝારખંડમાં ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા.
ભાજપના ઉમેદવાર નાગેન્દ્ર મહતોના પ્રચાર માટેની એક ચૂંટણીસભાને સંબોધતાં યોગીએ કહ્યું કે, 500 વર્ષ જૂના વિવાદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ઉકેલાઈ શકાયો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ, આરજેડી, સીપીઆઈ-એમએલ અને કેટલાક અન્ય પક્ષો લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદનો અંત ઈચ્છતા ન હતા.
તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં અયોધ્યામાં એક ભવ્ય રામમંદિર બનશે. હું ઝારખંડ નિવાસીઓને પણ આમંત્રિત કરીશ અને દરેક ઘરથી રામમંદિર માટે એક ઈંટ અને 11 રૂપિયા જવા જોઈએ.
યોગીએ નાગરિકત્વ કાનૂનને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત દોહરાવતાં કહ્યું કે, કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer