મ્યુનિસિપલ કો-અૉપરેટિવ બૅન્કનો 3.49 કરોડનો ગોટાળો

પૈસાની ઉચાપત કરનાર ક્લાર્ક સસ્પેન્ડ, ડિપૉઝિટરોના પૈસા સાલમાત
મુંબઈ, તા. 14 : મ્યુનિસીપલ કૉ-ઓપરેટીવ બૅન્ક (એમસીબી) ની મુલુંડ બ્રાન્ચમાંથી 3.49 કરોડ રૂપિયાની ઉચાપત કરનાર ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા આઠ દિવસમાં બૅન્કે ક્લાર્ક પાસેથી 86 લાખ રૂપિયા પાછા મેળવ્યા છે. તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. 
એમસીબી પાસે 6,000 કરોડ રૂપિયાની સંપત્તિ અને તેના 85,000 ગ્રાહકો પાલિકાના કર્મચારીઓ છે. કર્મચારીઓનો પગાર આ બૅન્કમાં જમા થાય છે. પાલિકા કમિશ્નર પ્રવિણ પરદેશી હોદ્દાની રૂએ બૅન્કના પ્રમુખ છે. આ ગોટાળામાં બૅન્કના અન્ય કર્મચારીઓનો હાથ છે કે નહીં તેની કડક તપાસ કરાવનો આદેશ એમસીબીની ન્યાય હક સમિતિએ બૅન્કને આપ્યો છે. 
એમસીબી બૅન્કના જનરલ મેનેજર વિનોદ રવાડકાએ કહ્યું હતું કે, 37 વર્ષીય કર્મચારી વર્ષ 2007 માં બૅન્કમાં જોડાયો હતો. છેલ્લા 18 મહિનાથી તેને પોતાની પત્ની અને સંબંધીઓના નામે ફિક્સ ડિપોટીઝ અને ખાતા ખોલ્યા હતા. આ ખાતાઓમાં તે બૅન્કના એક્સપેન્સ અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરતો હતો અને પછી તે જ દિવસે ઉપાડી પણ લેતો હતો. બૅન્કના કેશિયરને કેટલીક બાબતો પર શંકા જતા તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી ત્યારે આખો ગોટાળો બહાર આવ્યો હતો. પ્રવિણ પરદેશીએ સૂચના આપતા જ બૅન્કની 22 શાખાઓના એક્સપેન્સ અકાઉન્ટ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા. કોઈપણ ખર્ચ કરવા માટે પાલિકાના મુખ્યાલયમાંથી પરવાનગી લેવી પડતી હતી. કોઈપણ ભંડોળ ટ્રાન્સફર કરવા હોય તો જરૂરી વિગતોની તપાસ કરવામાં આવતી. ત્યારબાદ છઠ્ઠી ડિસેમ્બરે ક્લાર્કે લેખિતમાં સ્વિકાર્યું હતું કે આ ગોટાળો તેણે પોતે એકલે હાથે કર્યો છે. બૅન્કે ક્લાર્કને સસ્પેન્ડ કર્યો છે અને આંતરિક તપાસ માટે કમિટિ પણ બેસાડી છે. તેમજ આ બધા ટ્રાન્ઝેક્શન પર બૅન્કના વરિષ્ઠ કર્મચારીઓનું ધ્યાન ન દોરનાર કોકરન્ટ અૉડિટર વિરુધ્ધ પણ જરૂરી પગલા લેવામાં આવ્યા છે. બૅન્કના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાતાધારકો અને ડિપોઝીટરોએ ચિંતા કરવાની જરૂર નથી. તેમના પૈસા સલામત છે. કૌભાંડ બહાર આવ્યા બાદ બૅન્કે `બાયોમેટ્રિક ઓથોરાઈઝેશન' અપનાવવાનું નક્કી કર્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer