ઉદ્ધવે વિશ્વાસનો મત જીત્યો પરંતુ હવે ખરી કસોટી

ઉદ્ધવે વિશ્વાસનો મત જીત્યો પરંતુ હવે ખરી કસોટી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : આજે ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ આઘાડી સરકારે વિશ્વાસનો મત 169-0થી આસાનીથી જીતી લીધો હતો, પરંતુ આ સરકારની ખરી કસોટી હવે શરૂ થશે. આવતી કાલે સ્પીકરની ચૂંટણી છે. આમાં મહાવિકાસ આઘાડીના નાના પટોલે અને ભાજપના  કિસન કથોરે વચ્ચે સીધો મુકાબલો છે. બન્નેએ આજે ઉમેદવારીપત્ર ભર્યા છે. બન્ને ઉમેદવાર ચોથી મુદતના વિધાનસભ્ય છે. મૂળ કૉંગ્રેસના નાના પટોલે 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી જીત્યા હતા. બીજી તરફ ત્રણે પક્ષો વચ્ચે ખાતાની વહેચણી વિશે પણ ખેંચતાણ ચાલુ છે. હવે બધાની નજર આ સરકારના પ્રધાનમંડળના વિસ્તરણ પર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ઠાકરે સરકારના નવા 14 પ્રધાનો નિમાશે.
જોકે ડિસેમ્બર, 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મતભેદો થતા તેમણે રાજીનામું આપીને કૉંગ્રેસમાં જોડાયા હતા. બીજી બાજુ કિસન કથોરે મૂળ એનસીપીના છે. મહારાષ્ટ્રની પરંપરા છે કે અહીં સ્પીકરની ચૂંટણી ગુપ્ત મતદાનથી થાય છે. જોકે, મહાવિકાસ આઘાડીએ એવી રણનીતિ બનાવી છે વિશ્વાસના મતની જેમ સ્પીકરની ચૂંટણી પણ ખુલ્લી રીતે કરાય. જેથી ત્રણે પક્ષો આજની જેમ વ્હીપ બહાર પાડી શકે. ભાજપ તેના ઉમેદવારને પાછો ખેંચી લેશે કે નહીં એના પર બધાની નજર છે. આજે મહાવિકાસ સંગઠનના ટોચના નેતાઓએ સ્પીકરની ચૂંટણી માટે રણનીતિ ઘડવા વિધાનભવનમાં મિટિંગ કરી હતી. બીજી બાજુ આજે ઉદ્ધવ ઠાકરે સરકાર વિશ્વાસનો મત જીત્યા એની પાર્શ્વભૂમિમાં રાજ્યના રાજકારણ અને રણનીતિની ચર્ચા કરવા કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ આજે મુંબઈ આવી પહોંચ્યા હતા. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે હવાઈમથકે તેમનું સ્વાગત કર્યું હતું.
આજે એનસીપીના નેતા પ્રફુલ પટેલે જાહેરાત કરી હતી કે એનસીપી શિયાળુ અધિવેશન પતે એટલે કે 22 ડિસેમ્બર પછી નાયબ મુખ્ય પ્રધાન અંગે નિર્ણય લેશે. કેબિનેટનું વિસ્તરણ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં થાય એવી સંભાવના છે. ઉદ્ધવ ઠાકરે સાથે છ પ્રધાનોએ શપથવિધિ લીધી હતી, પરંતુ હજી સુધી ખાતાની વહેંચણી કરાઈ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer