મહિલા તબીબ દુષ્કર્મ - હત્યા મુદ્દે દેશભરમાં આક્રોશ ભભૂક્યો

મહિલા તબીબ દુષ્કર્મ - હત્યા મુદ્દે દેશભરમાં આક્રોશ ભભૂક્યો
ચાર આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં  :  વધુ એક મહિલાનો બળેલો મૃતદેહ મળ્યો
હૈદરાબાદ, તા. 30 : તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં સરકારી ડોક્ટર સાથે સામૂહિક બળાત્કાર, હત્યા અને મૃતદેહ સળગાવવાના કાળજું કંપાવતા બનાવમાં આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ મામલે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. હૈદરાબાદના જે પોલીસ મથકમાં આ ઘટનાના આરોપીઓને રાખવામાં આવ્યા છે તેઓની ભનક લોકોને મળી તો તેને આક્રોશ સાથે ઘેરી લીધું હતું.
 હૈદરાબાદમાં વકીલોએ ચારેય આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે.  તેલંગાણાની શાદનગર શહેરની સ્થાનિક અદાલતે તમામ 4 આરોપીઓને 4 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. શાદનગર બાર એસોસિયેશને એલાન કર્યું છે કે ડોક્ટર ઉપર બળાત્કાર આચરી અને હત્યા કરનારા આરોપીઓને કોઈ પણ જાતની કાયદાકીય મદદ કરવામાં આવશે નહીં. 
દરમ્યાન, ગુસ્સે ભરાયેલા લોકોએ શાદનગર પોલીસ સ્ટેશનમાં ઘૂસવાની કોશિશ કરી હતી. પોલીસ પર ચંપલ ફેંકી હતી. જો કે, પોલીસે મહામહેનતે લોકોને સમજાવી પાછા મોકલ્યા હતા.આ મામલે તેલંગાણાના રાજ્યપાલ ડો. તમિલિસઈ સુંદરરાજને ડોક્ટરના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. જાણકારી મુજબ રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ પણ પીડિતાના આવાસે પરિવાર સાથે મુલાકાતે પહોંચી હતી. આ અગાઉ હૈદરાબાદ બેંગલુરુ હાઇવે ઉપર સરકારી મહિલા તબીબની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, પીડિતા ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગળું દબાવીને હત્યા થઈ અને કેરોસીનથી મૃતદેહ સળગાવવામાં આવ્યો હતો. બનાવમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે.  તેલંગણાથી વધુ એક કમકમાટી ઉપજાવે તેવો મામલો સામે આવ્યો છે. અહીં શમશાબાદ વિસ્તારમાં વધુ એક મહિલાનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ એ જ વિસ્તાર છે જ્યાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર કરીને તેણીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.  આ અંગે સાઇબરાબાદના પોલીસ કમિશનર વી. સી. સજ્જનરે કહ્યું કે, શમશાબાદના છેવાડાના વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો છે. પ્રાથમિક તપાસ પછી મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. શમશાબાદના સિડ્ડુલાગટ્ટા રોડ પાસે મહિલાનો બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની ઉંમર આશરે 35 વર્ષ બતાવવામાં આવી રહી છે.
દરમિયાન હૈદરાબાદમાં 27 વર્ષની વેટરનરી ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર અને તેની હત્યાની ઘટનાનો વિરોધ દર્શાવવા આજે સવારે દિલ્હીમાં સંસદભવનની બહાર દેખાવો કરી રહેલી એક યુવતીએ દાવો કર્યો હતો કે પોલીસે તેને માર મારીને પરેશાન કરી હતી. દિલ્હી મહિલા પંચે આ મહિલાની ફરિયાદ બાદ દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. લગભગ વીસ વર્ષથી વધુની વયની અનુ દુબે નામની આ યુવતીએ દેશમાં મહિલાઓ પર અત્યાચારના વધતા જતા કેસોના વિરોધમાં સવારે સંસદભવનના ગેટનંબર 2-3 ખાતે ફૂટપાથ પર હાથમાં પ્લેકાર્ડ પકડીને દેખાવો કર્યા હતા. પ્લેકાર્ડમાં લખ્યું હતું કે `મારા ભારતમાં હું મારી જાતને સુરક્ષિત કેમ નથી માનતી?'

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer