શિવસેનાનો દગો અને કૉંગ્રેસની જનમત સાથે છેતરપિંડીને કારણે ભાજપની સત્તા ગઈ અમિત શાહ

શિવસેનાનો દગો અને કૉંગ્રેસની જનમત સાથે છેતરપિંડીને કારણે ભાજપની સત્તા ગઈ અમિત શાહ
અજિત પવાર સાથે હાથ મિલાવી સરકાર રચવાનો પ્રયાસ કરવામાં કંઈ ખોટું નથી કરાયું : અમિત શાહ
મુંબઈ, તા.30 : મહારાષ્ટ્રમાં સત્તાના મિનિ મહાભારતનો અંત આવ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે દાવો કર્યો છે કે શિવસેનાએ ભાજપ સાથે વિશ્વાસઘાત કર્યો અને કૉંગ્રેસે જનમત સાથે છેતરપિંડી કરી તેથી મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની યુતિની સરકાર રચવામાં નિષ્ફળતા મળી છે. એક ન્યૂઝ ટીવી ચેનલને આપેલી ખાસ મુલાકાતમાં શાહે જણાવ્યું હતું કે અજિત પવાર સાથે હાથ મિલાવીને સરકાર રચવાનો પ્રયાસ કરવામાં ભાજપે કોઇ ભૂલ નહોતી કરી, પરંતુ શિવસેનાએ મહારાષ્ટ્રની જનતાનો વિશ્વાસઘાત કર્યો છે.
દેશમાં ચર્ચાસ્પદ અન્ય પ્રશ્નોના જવાબો પણ શાહે આ મુલાકાતમાં આપ્યા હતા. શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર તમામ પડકારોને પહોંચી વળવા સક્ષમ છે અને આગામી સમયમાં અન્ય મોટા નિર્ણયો પણ લેવાશે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં સૌથી વધુ બેઠકો હોવા છતાં ભાજપ સત્તાથી વંચિત રહી ગયો એ વિશે અમિત શાહે કહ્યું હતું કે સ્પષ્ટ છે કે ભાજપ-શિવસેનાની યુતિથી અમે ચૂંટણી લડયા અને પરિણામો જાહેર થયા બાદ શિવસેનાએ દગો કર્યો. યુતિને મોદીના નામે મત મળ્યા હતા, બદલાયેલા સંજોગોમાં ભાજપે એનસીપીના અજિત પવાર સાથે હાથ મિલાવીને સરકાર રચવાનો પ્રયાસ કરી જોયો તેમાં અમે વિચારધારા સાથે કોઇ સમાધાન નહોતું કર્યું, પરંતુ હવે શિવસેનાએ વિચારધારા સાથે સમાધાન કરીને સરકાર બનાવી છે.
ભાજપ યુતિનો ધર્મ નથી નિભાવતી એવા આક્ષેપને નકારી કાઢતા શાહે કહ્યું હતું કે ભાજપને ત્રિપુરા અને આસામમાં સરકાર રચવાની સંપૂર્ણ બહુમતી મળી હોવા છતાં અમે સાથીદાર પાર્ટીઓ સાથે મળીને સરકાર બનાવી છે. હવે ઝારખંડમાં પણ ભાજપને બહુમતી મળશે, પરંતુ અમે એકલા નહીં જે સ્થાનિક પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છીએ તેમની સાથે મળીને સરકાર બનાવીશું.
અયોધ્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે તેનો ફાયદો ભાજપ ઉઠાવી રહ્યો છે કે એવા સવાલના જવાબમાં શાહે કહ્યું હતું કે રામ મંદિરના મુદ્દે રાજકીય ફાયદો ઉઠાવી લેવાનો સવાલ જ નથી. સમગ્ર દેશની જનતાની ઇચ્છા હતી કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થાય, પરંતુ માત્ર કૉંગ્રેસ આવું નહોતી ઇચ્છતી, જો કૉંગ્રેસે અડચણો ઊભી ન કરી હોત તો અત્યાર સુધીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ક્યારનું બની ગયું હોત. હવે અમે ખુલ્લેઆમ કહીએ છીએ કે અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણ થશે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે રામ મંદિર ટ્રસ્ટ પણ બનશે.
દેશની નાગરિકતા સંબંધી એનઆરસીના મુદ્દે સરકાર પારોઠના પગલા નહીં ભરે એવી સ્પષ્ટતા કરતા શાહે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં એનઆરસીનો અમલ કરાશે. જોકે, સરકાર ધાર્મિક આધારે એનઆરસીમાં કોઇ ભેદભાવ નથી કરવાની તેથી કોઇએ આનાથી ગભરાવાની જરૂર નથી.
ભોપાલના સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુરના સંસદમાં ગોડસે સંબંધી નિવેદનના મુદ્દે શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઠાકુરના નિવેદન સાથે ભાજપ સહમત નથી અને તેમની સામે કાર્યવાહી થશે. ગાંધી પરિવારને મળેલું એસપીજી સુરક્ષા કવચ હટાવાયું એ મુદ્દે શાહે કહ્યું હતું કે આ માત્ર એક પરિવારનું દર્દ છે. એસપીજી સુરક્ષા માત્ર વડા પ્રધાનને જ મળવી જોઇએ. સરકારે ગાંધી પરિવારના ત્રણેય સભ્યો સોનિયા ગાંધી અને રાહુલ, પ્રિયંકા ગાંધી વાડરાને ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા આપવાનું ચાલુ જ રાખ્યું છે.
ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધે ઊઠતા સવાલો વિશે શાહે કહ્યું હતું કે આ વ્યવસ્થા ચૂંટણીમાં કાળાં નાણાંની રેલમછેલ રોકવા માટેની વ્યવસ્થા છે. કૉંગ્રેસે અત્યાર સુધી ચૂંટણીઓમાં કાળાં નાણાંને પ્રોત્સાહન આપ્યું છે, પરંતુ અમે ચૂંટણીમાં એક પણ પૈસાનું કાળું નાણું નથી લેતા. જે રકમ ભાજપને મળી છે તે બધી જ ઇલેક્ટોરલ બૉન્ડથી મળી છે અને અમે આ નાણાંનો હિસાબ આપવા તૈયાર છીએ.
હાલમાં દેશની આર્થિક સ્થિતિ કથળેલી છે એ વિશે શાહે કહ્યું હતું કે વૈશ્વિક અર્થ સંકટની અસર આપણા અર્થતંત્ર પર પડી છે, ટૂંક સમયમાં સરકાર આ નબળી સ્થિતિ પર કાબૂ મેળવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer