દહેજમાં દેશના સૌ પ્રથમ 100 એમએલડી ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન

દહેજમાં દેશના સૌ પ્રથમ 100 એમએલડી ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન
ગુજરાતમાં 8 ડિસેલિનેશન પ્લાન્ટ સ્થપાશે : રૂપાણી 
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 30 : મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, 1600 કિમી લાંબો સમુદ્રકિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાઈ ખારા પાણીના ઉદ્યોગો-ખેતી-પીવાના પાણી તેમ જ અન્ય વપરાશ માટે ઉપયોગ કરવા રાજ્યમાં ખારા પાણીને શુદ્ધ પાણીમાં રૂપાંતર કરતા આઠ ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. 
રાજ્યમાં આગામી સમયમાં આવા પ્લાન્ટ કાર્યરત થતાં ખેતી સહિત પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે, એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.  
રૂપાણીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે અંદાજે રૂા. 881 કરોડના ખર્ચે આકાર પામનાર ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 એમએલડી ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું.
દહેજ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગો માટે અવિરત પાણીની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન 454 એમએલડી પાણી પુરવઠા યોજના સ્થાપિત થયેલી છે.
આ પીસીપીઆઈઆર વસાહતનો પૂર્ણત: વિકાસ થતાં 1000 એમએલડી પાણીની જરૂરિયાતોનો અંદાજ છે. આ જરૂરિયાતને પહોંચી વળવાના હેતુસર ઉદ્યોગો માટે જરૂરી પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીના શુદ્ધીકરણથી તેને ઉપયોગયુક્ત બનાવવા માટે 100 એમએલડી ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ દહેજમાં આગામી ત્રીસ માસમાં નિર્માણ થશે.  
આ ડિસેલિનેશન પ્લાન્ટ 25 હેક્ટર વિસ્તારમાં આકાર પામશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં કુલ 555 એમએલડી પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે. આ પ્લાન્ટ મારફત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૂપ રહેશે.  
તેમણે જણાવ્યું કે, ભારતમાં તામિલનાડુ પછી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાશે.  
તેમણે જણાવ્યું કે, ગુજરાત પાસે લાંબો દરિયા કિનારો છે. આટલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને ગુજરાતનો પાણીનો પ્રશ્ન કાયમ માટે હલ કરીને જળ સલામતી પૂરી પાડી ગુજરાતને સશક્ત, સમૃદ્ધ અને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  
સહકાર રાજ્યપ્રધાન ઈશ્વરાસિંહ પટેલે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદ્યોગોના સમુચિત વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં ઉદ્યોગગૃહોને સિંગલ વિન્ડો દ્વારા એક જ સ્થળેથી પરવાનગીઓ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દહેજ પીસીપીઆઈઆર ઝડપથી વિકસી રહ્યું છે. તેમણે પર્યાવરણની જાળવણી સાથે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું.  
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચૅરમૅન બળવંતાસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાત સમગ્ર દેશનું વિકાસ મોડેલ બન્યું છે. રાજ્યમાં ઉદ્યોગોને ઉત્તેજના આપવા નવી 16 જીઆઈડીસીની સ્થાપના કરવામાં આવી છે. દહેજ પીસીપીઆઈઆરમાં 1.80 લાખ લોકોને રોજગારી મળી રહી છે. આગામી સમયમાં 7 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.  
પ્રારંભમાં સૌને આવકાર કરતાં જીઆઈડીસીના એમડી એમ. થેન્નારસને જણાવ્યું કે, દહેજ પીસીપીઆઈઆરમાં હાલમાં 180 યુનિટ કાર્યરત છે. જીઆઈડીસી દ્વારા દહેજ પીસીપીઆઈઆરમાં પાયાની અને આંતર માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂા. 16 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer