ભાજપે હાર સ્વીકારવાનું સૌજન્ય દાખવવાના બદલે વિધાનસભામાં ગૃહત્યાગ કર્યો

ભાજપે હાર સ્વીકારવાનું સૌજન્ય દાખવવાના બદલે વિધાનસભામાં ગૃહત્યાગ કર્યો
ઠાકરે સરકારે વિશ્વાસનો મત જીતી લીધા બાદ કૉંગ્રેસ અને એનસીપીએ કરી ફડણવીસની ટીકા
મુંબઈ, તા. 30 : મહાવિકાસ આઘાડીની ઉદ્ધવ ઠાકરેએ આજે વિધાનસભામાં વિશ્વાસનો મત લીધો ત્યારે ગૃહ ત્યાગ કરીને ભાજપ હાર સ્વીકારવાનું સૌજન્ય દાખવવાના બદલે કાર્યવાહીમાંથી જ દૂર ભાગી ગયો, એવો આક્ષેપ કૉંગ્રેસ-એનસીપીએ કર્યો છે.
આજે બપોરે શિવસેના-કૉંગ્રેસ-એનસીપીની સરકારે કુલ 288 વિધાનસભ્યોની વિધાનસભામાં વિશ્વાસનો મત લીધો ત્યારે ભાજપના તમામ 105 વિધાનસભ્યો ગૃહ ત્યાગ કરી ગયા હતા અને ઉદ્ધવ ઠાકરે સરકારને 169 વિધાનસભ્યોનો ટેકો સાંપડયો હતો, અને ગૃહમાં બહુમતી સાબિત કરી હતી. ગૃહ ત્યાગ પહેલા ભાજપે પ્રોટેમ સ્પીકર પદેથી ભાજપના કાલિદાસ કોળંબેકરને હટાવી તેમના સ્થાને એનસીપીના દિલિપ વળસે પાટીલને નિમણૂક કરી તેની સામે વાંધો દર્શાવ્યો હતો. જોકે, એનસીપીએ જવાબ વાળ્યો હતો કે રાજ્યપાલની સંમતિથી પ્રોટેમ સ્પીકર બદલાયા છે. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે ભાજપને વિશ્વાસના મતની કાર્યવાહીથી દૂર ભાગવા ગૃહ ત્યાગ માટે કોઇક બહાનું જોઇતું હતું. ખરેખર તો વિપક્ષના નેતા કેવા હોવા જોઇએ એ ફડણવીસે ભાજપના જ એકનાથ ખડસે પાસેથી શિખવું જોઇએ. એનસીપીના સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે વિશ્વાસના મત વખતે ભાજપ ગૃહ ત્યાગ કરીને આ કાર્યવાહીથી દૂર ભાગી ગયો હતો.
કૉંગ્રેસના મહારાષ્ટ્રના ઇનચાર્જ પ્રવક્તા આશિષ દુવાએ ટ્વીટ કર્યું હતું કે ગૃહ ત્યાગ કરીને ભાજપ હાર સ્વીકારવાનું સૌજન્ય પણ નથી દાખવી શક્યો. 
એનસીપીના નેતા અને ઠાકરે સરકારના પ્રધાન જયંત પાટીલે ફડણવીસની ટીકા કરતા કહ્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકેની ગરિમા જાળવવાનું પણ ફડણવીસ ચુકી ગયા, તેમણે નવી સરકારને અભિનંદન આપતો ઠરાવ રજૂ કરવાના બદલે કોઈ પણ ખોટા બહાને ગૃહ ત્યાગનો માર્ગ લીધો એ બરાબર નથી. વિપક્ષના નેતાની એક ગરિમા હોય છે. 
ફડણવીસે ઠાકરે અને પ્રધાનોએ શપથ લીધાં એ બંધારણિય રીતે અયોગ્ય હોવાનો મુદ્દો રાખ્યો હતો, એ વિશે પાટીલે કહ્યું હતું કે અમે શપથ લેતી વખતે છત્રપતિ શિવાજી મહારાજ, શાહુ મહારાજ, મહાત્મા ફુલે અને ડૉ. આંબેડકર સહિતની મહાન હસ્તિઓના નામ લીધાં તેના કારણે ભાજપને શેનો ત્રાસ થાય છે. ભાજપને આવા મહાપુરુષોના નામ સામે પણ વાંધો છે?

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer