વિશ્વાસનો મત ભાજપે સભાત્યાગ કર્યો

વિશ્વાસનો મત ભાજપે સભાત્યાગ કર્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેનાની બનેલી મહાવિકાસ આઘાડી સરકારે શનિવારે વિશ્વાસનો મત આસાનીથી જીત્યો હતો.
288 સભ્યોના ગૃહમાં 105નું સંખ્યાબળ ધરાવતાં ભાજપે વિશ્વાસના મતની દરખાસ્ત મુકાય તે પહેલાં સભાત્યાગ કર્યો હતો. ભાજપે કહ્યું હતું કે પ્રધાનોની ગેરકાયદે સોગંદવિધિ અને વિધાનસભાનું સત્ર અનધિકૃત રીતે બોલાવાયું એના વિરોધમાં અમે કાર્યવાહીનો બહિષ્કાર કરીએ છીએ.
169 વિધાનસભ્યોએ વિશ્વાસ મતની તરફેણમાં મતદાન કર્યું હતું. ચાર સભ્યોએ તટસ્થ રહેવાનું પસંદ કર્યું હતું. મનસે, માર્ક્સવાદી પક્ષ અને એમઆઈએમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે વિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેનાના સિનિયર નેતાઓએ આ દરખાસ્તને અનુમોદન આપ્યું હતું. ભાજપે આક્ષેપ કર્યો હતો કે વિશ્વાસના મતની કાર્યવાહી બંધારણનો ભંગ કરીને પાર પડાય છે. સભાત્યાગ કરનાર ભાજપે કહ્યું હતું કે અમે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સમક્ષ આ બાબત ઉપાડીશું.
ભાજપના વિધાનમંડળના નેતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપના વિધાનસભ્ય કાલીદાસ કોલંબકરના સ્થાને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના દિલીપ વળસે પાટીલની વરણી કરાઈ એ સામે વાંધો ઉઠાવ્યો હતો. 
તેમણે કહ્યું હતું કે શિવસેના-રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસની આઘાડીને વિશ્વાસનો મત હારવાનો ડર હોવાથી ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર પ્રોટેમ (હંગામી) સ્પીકરની બદલી કરાઈ છે.
વિધાનસભાના સત્રને નિયમ પ્રમાણે બોલાવામાં આવ્યું નથી. ગયા સત્ર બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું એનો અર્થ એ થયો કે ગયા અધિવેશનનો અંત આવી ગયો હતો. નવું સત્ર બોલાવવા રાજ્યપાલે સમન્સ મોકલવો જોઇતો હતો.
દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે ઠાકરે અને બીજા છ પ્રધાનોએ શપથવિધિ સમારોહમાં જે રીતે સોગંદ લીધા એ નિયમ પ્રમાણેના નથી. કોઈકે બાળાસાહેબ ઠાકરેનું નામ કોઈકે કૉંગ્રેસનાં વડા સોનિયા ગાંધી અને કોઈકે એનસીપીના વડા પવાર સાહેબનું નામ લીધું જે નિર્ધારિત ફોર્મેટમાં બેસતું નથી.
પ્રો-ટેમ સ્પીકર વિશ્વાસના મતની કાર્યવાહીનું સંચાલન ન કરી શકે. નિયમિત સ્પીકરના સંચાલન હેઠળ વિશ્વાસનો મત હારી જવાનો મહાવિકાસ આઘાડીને ડર હોવાથી આમ કરાયું છે. અમે રાજ્યપાલને એક પત્ર લખીને અમારો વિરોધ નોંધાવીશું.
દેવેન્દ્રએ સોગંદવિધિ અંગે કરેલા આક્ષેપો અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો છત્રપતિ શિવાજી મહારાજ અને મા-બાપના સોગંદ લેવા એ ગુનો હોય તો એ સતત કરીશ. બધાને ગર્વ થાય એવું મહારાષ્ટ્ર આપણે વિકસાવવાનું છે.
ઠાકરેએ ભાજપના સભાત્યાગનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે મોકળું મેદાન જોઈને તલવારબાજી કરીશ નહીં. રાજકીય હરીફો વિરુદ્ધથી સામી છાતીએ લડીશ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer