શૈલેશ ગાંધીનો મુખ્ય પ્રધાન ઠાકરેને ખુલ્લો પત્ર

શૈલેશ ગાંધીનો મુખ્ય પ્રધાન ઠાકરેને ખુલ્લો પત્ર
ભ્રષ્ટાચાર ડામવા અને પારદર્શકતા માટે પગલાં લો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : ભૂતપૂર્વ સેન્ટ્રલ ઇનફોર્મેશન કમિશનર (સીઆઈસી) અને પ્રખર આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેશ ગાંધીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક ખુલ્લો પત્ર લખીને સરકારમાં પારદર્શકતા લાવવા પગલાં લેવાં તેમ જ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા નોકરશાહી પ્રક્રિયામાં થતાં વિલંબને ટાળવા અપીલ કરી છે.
ગાંધીએ એવું સૂચન પણ કર્યું છે કે આરટીઆઈ અરજીઓનો ઝડપી નિકાસ કરવા છ ઇન્ફોર્મેશન કમિશનરોની નિમણૂક કરવી જોઈએ. આ ઉપરાંત બધી જ આરટીઆઈ અરજીઓ તેમ જ તેમના અંગે લેવાયેલો નિર્ણય સરકારની સત્તાવાર વેબસાઇટ પર મૂકવો જોઈએ.
તેમણે એવું સૂચન પણ કર્યું છે કે ભ્રષ્ટાચારને ડામવા વહીવટી તંત્રએ કોઈ પણ નિર્ણય 45 દિવસની અંદર લેવો જોઈએ.
ગાંધીએ પત્રમાં જણાવ્યું છે કે ઠાકરે સરકારે વહીવટી તંત્રમાંની ખાલી જગ્યાઓ તત્કાળ ભરવી જોઈએ. કારણકે હાલ 25થી30 ટકા પદ ખાલી છે અને જેને કારણે વહીવટી તંત્ર બિન કાર્યક્ષમ અને ભદ્ર બને છે.
તેમણે જણાવ્યું છે કે લોકઆયુક્ત, માનવ અધિકાર પંચ, મહિલા પંચ અને બાળ અધિકાર પંચમાં નિષ્ણાતોને લેવા જોઈએ.
મરાઠવાડા અને વિદર્ભમાં તીવ્ર દુષ્કાળની પરિસ્થિતિને જોતાં જમીનમાં પાણીની સપાટી વધારવાના પ્રયાસો કરવા જોઈએ. કેટલીક બિન સરકારી સંસ્થાઓ પાણીની  જાળવણી માટે ઉત્તમ પ્રયાસો કરી રહી છે. જો સરકાર પણ તેમની ટેક્નિક અને ઉપાયો અજમાવે તો જમીનમાં જળસ્તર વધી શકે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer