આરે કારશેડ સામે સ્ટે મેટ્રો-થ્રી પ્રોજેકટના વિલંબથી

આરે કારશેડ સામે સ્ટે મેટ્રો-થ્રી પ્રોજેકટના વિલંબથી
પ્રતિ દિન થશે 4.30 કરોડનું નુકસાન અધિકારીઓ
મુંબઈ, તા. 30 : આરે કૉલોનીમાં મેટ્રો કારશેડ બાંધવા સામે સ્ટે આપવાના નિર્ણયથી 23,140 કરોડ રૂપિયાનો મેટ્રો-3 પ્રોજેકટ વધુ વિલંબમાં મુકાશે એવું ઇન્ફ્રાસ્ટ્રકચર નિષ્ણાતોનું કહેવું છે.
શિવસેના-એનસીપી-કૉંગ્રેસનો કૉમન મિનિમમ પ્રોગ્રામ જાહેર કરવા માટે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં એનસીપીના પ્રધાન જયંત પાટીલે કહ્યું હતું કે આ પ્રોજેકટ તો આગળ ધપશે જ, પરંતુ કારશેડના સ્થળ અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે અને વિવિધ વિકલ્પોનો વિચાર કરવામાં આવશે.
આ પ્રોજેકટ હાથ ધરનાર મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન અને કેટલાક ખાનગી નિષ્ણાતોએ આરેના આઠ વિકલ્પોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ વિવિધ સાઈટમાં કોઈ ને કોઈ સમસ્યાઓ આવી હતી. એમાં સૌથી અનુકૂળ કાંજુરમાર્ગની સાઈટ હતી, પરંતુ ત્યાંની જમીન વિવાદિત હતી અને આરેથી કારશેડ ત્યાં ખસેડવાથી રૂટમાં 11 કિલોમીટરનો વધારો થતો હતો. આનાથી વધારાની રેકસ ખરીદવી પડતી હતી. જેથી ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારો થતો હતો.
મેટ્રોના વર્તુળોએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટમાં વિલંબથી એક દિવસનાં લગભગ 4.3 કરોડ રૂપિયાનું નુકસાન જશે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આરે કારશેડ સામે સ્ટે આપ્યો એ બાદ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના આદેશો છતાં રાજ્ય સરકારે આરે મેટ્રો કારશેડના કામને સ્ટે આપ્યો એ કમનસીબ છે.
આ દર્શાવે છે કે રાજ્ય સરકાર મુંબઈમાં માળખાકીય પ્રોજેકટો માટે ગંભીર નથી. છેવટે તેનાથી માર તો સામાન્ય મુંબઈગરાને જ પડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer