દાહોદ હત્યાકાંડ મૃતકો દાદપુરી સંપ્રદાયના હોવાથી ખેતરમાં દફનવિધિ કરાઈ

દાહોદ હત્યાકાંડ મૃતકો દાદપુરી સંપ્રદાયના હોવાથી ખેતરમાં દફનવિધિ કરાઈ
દાહોદ, તા. 30 : જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે સર્જાયેલ એક જ પરિવારના 6 સભ્યોના સામૂહિક હત્યાકાંડમાં પોલીસ તંત્ર સહિત ટીમો કામે જોતરાઈ છે ત્યારે બીજી તરફ આ ઘટના બાદ આજરોજ પરિવારના નિવાસ્થાને તેમના સગા સંબંધીઓએ એક દંપતિ સહિત 4 બાળકોની અંતિમ વિધિ માટે તેઓના ખેતરમાં સાત ખાડા ખોદી 6 જણાની દફનવિધિ કરી હતી, જ્યારે મોરબી મુકામે ટ્રેનની નીચે કપાયેલ તેમના પરિવારના વધુ એક સભ્યના મૃતદેહને લેવા પરિવારજનો મોરબી રવાના થયા હતા. 
સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાતને હચમચાવી મુકનારી ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યો ભરતભાઈ કડકીયાભાઈ પલાસ (ઉ.વ.40), તેમની પત્ની સમીબેન ભરતભાઈ પલાસ (ઉ.વ.40) તથા આ દંપતિના વ્હાલ સોયા સંતાન એવા દિપીકા (ઉ.વ.12), હેમરાજ (ઉ.વ.10), દિપેશ (ઉ.વ.8) અને રવિ (ઉ.વ.6)ની કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે ગળા કાપી હત્યા કરી હતી, ઘટનાની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યે છે. પોલીસે ગઈકાલે એક દંપતિ સહિત 4 બાળકોના મૃતદેહને દાહોદના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા બાદ પોસ્ટમોર્ટમ બાદ આજરોજ 6 સભ્યોના મૃતદેહોને તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. સ્વજનો દ્વારા મૃતદેહોને ગામમાં લાવી પોતાના ખેતરમાં 7 ખાડા ખોદી દંપતિ સહિત 4 બાળકોની દફનવિધિ કરવામાં આવી હતી.
આમ, તો હિન્દુઓની દ્વારા મૃતકોને સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવતી હોય છે, પરંતુ આ મૃતક પરિવાર દાદપુરી સંપ્રદાયમાં આવતો હોવાથી અને દંપતિ તથા તેમના વારસો ગુરુ ગાવિંદના અનુયાયી હોવાથી તેમને તેમના રીત રિવાજ પ્રમાણે પરંપરાગત રીત દફનવિધિ કરવામાં આવી હતી. આજ કુટુંબનો વધુ એક સભ્ય વિક્રમભાઈ ચુનીલાલ પલાસ (ઉ.વ.22) મોરબી હાફેશ્વર રેલ્વે ટ્રેકની નીચે આવી કપાઈ ગયો હતો જેનો મૃતદેહ લેવા પરિવારજનો રવાના થયા હતા. ઘટનાને 24 કલાકનો સમય વીતી ગયા બાદ પણ લાગી રહ્યુ છે કે, દાહોદ જિલ્લા પોલીસ હવામાં હવાતિયાં મારી રહે છે, કારણ કે, ડોગ સ્કવોડ, એફએસએલ જેવી ટીમોની મદદથી પણ ગુનાનો ભેદ હજુ સુધી ઉકેલી શકી નહીં હોવાથી લોકોમાં પણ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer