આજે મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી

આજે મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી
કૉંગ્રેસ તરફથી નાના પટોલે અને ભાજપ તરફથી કિસન કથોરે ઉમેદવાર
મુંબઈ, તા.30 : આવતી કાલે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થવાની છે, એમાં કૉંગ્રેસ તરફથી સાકોળી બેઠકના વિધાનસભ્ય નાના પટોલેએ જ્યારે ભાજપ તરફથી મુરબાડના વિધાનસભ્ય કિસન કથોરે ઉમેદવાર છે. કૉંગ્રેસના નેતા માણિકરાવ ઠાકરેએ જણાવ્યું હતું કે અધ્યક્ષ પદે કૉંગ્રેસના ઉમેદવાર નાના પટાલે છે. આ રીતે જ ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે કિસન કથોરે વિધાનસભાના અધ્યક્ષ પદે ભાજપ તરફથી ઉમેદવારી કરશે. 
પટોલે : વર્ષ 2014માં પટોલે કૉંગ્રેસ છોડીને ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડયા હતા અને જીત્યા હતા પરંતુ વર્ષ 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મતભેદોના પગલે પટોલેએ સંસદસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને ફરીથી કૉંગ્રેસમાં જોડાયા હતા.
કથોરે : ભાજપના ઉમેદવાર બનેલા કથોરે વર્ષ 2002માં થાણે જિલ્લા પરિષદના પ્રમુખ બન્યા હતા. વર્ષ 2004માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી એનસીપી તરફથી અંબરનાથ બેઠક પરથી લડીને જીત્યા હતા. બાદમાં વર્ષ 2009માં તેઓ મુરબાડની સીટ પર વિધાનસભ્ય પદે ચૂંટાયા હતા. વર્ષ 2014 અને 2019માં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે મુરબાડ બેઠક પરથી ચૂંટાયા હતા.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer