ફેરિયાઓ સામેની કાર્યવાહીમાં 3253 લારીઓ જપ્ત

ફેરિયાઓ સામેની કાર્યવાહીમાં 3253 લારીઓ જપ્ત
પાલિકા જેસીબીથી કચડીને નિકાલ કરશે
મુંબઈ, તા.30 : મહાપાલિકાએ 16 નવેમ્બરથી બે અઠવાડિયા માટે શહેરના રોડ મોકળા કરવા અનધિકૃત ફેરિયાઓ સામે છેડેલા અભિયાન દરમિયાન જપ્ત કરેલી 3,253 જેટલી હાથલારી (રેકડી)ઓનો જેસીબીથી કચડી નાખીને નિકાલ કરાશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પખવાડિયાના આ અભિયાન દરમિયાન જપ્ત કરાયેલી આ લારીઓમાં ફેરિયાઓ અનધિકૃત રીતે ચીની વ્યજનો, શાકભાજી, ફળ અને તૈયાર કપડાં વેચતા હતા.
પાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અગાઉ પાલિકા જપ્ત કરેલી લારીઓ દાવો કરનારા ફેરિયાઓને પરત કરતી હતી, પરંતુ અનધિકૃત ફેરિયાઓ ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી દેતા હતા. તેથી હવે અમે આ લારીઓને જેસીબીથી કચડી નાખીને તેનો નાશ કરી નાખવાનો નિર્ણય કર્યો છે. જેથી શહેરની ગલીઓમાં ફરીથી અનધિકૃત ફેરિયાઓ કબજો ન જમાવી શકે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અતિક્રમણ નિર્મૂલન અને ફેરિવાલા નિયમન કાયદા અંતર્ગત પાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્ર જૈનના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવાયું હતું. 16 નવેમ્બરથી પખવાડિયા દરમિયાન આ અભિયાન અંતર્ગત અંધેરી, કુર્લા, ચેમ્બુર સહિતના તમામ વિસ્તારોમાં અનધિકૃત ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 3,253 થી વધુ લારીઓ જપ્ત કરાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer