વોર્નરની ફાંકડી ત્રેવડી સદી અનેક વિક્રમ તૂટયા

વોર્નરની ફાંકડી ત્રેવડી સદી અનેક વિક્રમ તૂટયા
બીજી ટેસ્ટમાં 335 રન (અણનમ) ફટકાર્યા, ઓસી વતી બીજો સર્વોચ્ચ સ્કોર : ડેનાઇટ ટેસ્ટમાં અને એડિલેડમાં શ્રેષ્ઠ જુમલો : પાકિસ્તાનનો પહેલા દાવમાં ધબડકો 
એડિલેડ, તા. 30 : ઓસ્ટ્રેલિયાના ધુરંધર ઓપનર ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં અફલાતૂન બેટિંગ કરીને ત્રેવડી સદી (335 રન અણનમ) ફટકારી હતી તથા અનેક વિક્રમો પોતાના નામે કર્યા હતા. વોર્નરે 418 દડામાં 39 ચોગ્ગા અને એક સિક્સર સાથે 335 રન બનાવ્યા અને તે પાક વિરુદ્ધ 300 રન બનાવનારો બીજો ઓસી ક્રિકેટર બની ગયો. સાથે જ ઓસી વતી બીજો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર પણ બનાવ્યો. એડિલેડમાં પહેલી ત્રેવડી સદી અને ડેનાઈટ ટેસ્ટમાં ગુલાબી દડા સાથે સર્વાધિક જુમલાનો રેકોર્ડ પણ હવે વોર્નરના નામે છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલો દાવ 589 રને ઘોષિત કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનનો ધબડકો થયો હતો અને માત્ર 96 રનમા જ 6 વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક ત્રાટક્યો હતો અને 13 ઓવરમાં જ ચાર વિકેટ પોતાના નામે કરી હતી. 
33 વર્ષીય વોર્નર ઓપનર તરીકે ત્રેવડી સદી ફટકારનારો 16મો ખેલાડી બન્યો હતો. વોર્નરે મહાનતમ ડોન બ્રેડમેનના બે વિક્રમ તોડયા હતા. ઓસી માટે 380નો સર્વોચ્ચ સ્કોર મેથ્યુ હેયડનના ખાતે છે. ત્યારબાદ બ્રેડમેન અને માર્ક ટેલર 334 રન (બન્ને અણનમ) ફટકારી ચૂક્યા છે. વોર્નરે 335 રન કરીને બંનેને પાર કર્યા હતા. સાથે જ એડિલેડમાં સર્વાધિક સ્કોર પણ વોર્નરે બનાવ્યો હતો. અગાઉ આ વિક્રમ બ્રેડમેનના નામે હતો. તેમણે 299 રન બનાવ્યા હતા. તાજેતરના વર્ષોનો આ શ્રેષ્ઠ સ્કોર છે. 
વોર્નર હવે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ શ્રેષ્ઠ સ્કોર ધરાવે છે. તેણે ભારતીય સુકાની વિરાટ કોહલી (254 રન અણનમ)નો રેકોર્ડ તોડયો હતો. 
સ્વાભાવિક છે કે વોર્નર અને લેબુશેન (162 રન)ની શાનદાર બેટિંગને પગલે પાકિસ્તાનના બોલરોની બૂરી વલે થઈ હતી. પહેલી ટેસ્ટમાં સ્ટિવન સ્મિથને આઉટ કર્યા બાદ અહંકારમાં રાચતા યાસીર શાહને અહીં 197 રનમાં એક પણ  વિકેટ મળી નહોતી. મોહમ્મદ અબ્બાસ 100 રન આપીને વિકેટવિહોણો રહ્યો હતો. મોહમ્મદ મુસાએ 114 રનમાં કોઈ વિકેટ લીધી નહોતી. ઉલ્લેખનીય છે કે પહેલી ટેસ્ટમાં પણ વોર્નરે ફાંકડી સદી ફટકારી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer