ડેવિસ કપમાં ભારતે પાકિસ્તાનને પછાડયું

ડેવિસ કપમાં ભારતે પાકિસ્તાનને પછાડયું
લિએન્ડર પેસની રેકર્ડ 44મી જીત : 4-0થી ભારત ક્વોલિફાય
નૂર સુલ્તાન, તા. 30 : અનુભવી ટેનિસ સ્ટાર લિએન્ડર પેસએ પોતાનો ડેવિસ કપ રેકોર્ડ વધુ મજબૂત બનાવતા જીવન નેદુંચેઝિયાન સાથે 44મો યુગલ મેચ જીત્યો હતો.. આ સાથે જ ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવીને 2020 ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાનના મોહમ્મદ શોએબ અને હુફૈઝા રહેમાનની જોડી પેસ અને જીવન સામે ટકી શકી નહોતી. પેસની જોડીએ 53 મિનિટમાં 6-1, 6-3થી જીત નોંધાવી હતી.
પેસે ગયા વર્ષે 43મો યુગલ મેચ જીતીને ડેવિસ કપના ઈતિહાસમાં સૌથી સફળ ખેલાડી તરીકે પોતાનુ નામ નોંધાવ્યું હતું અને ઈટાલીના નિકોલા પીને પછાડયો હતો. પેસે 56મા મુકાબલામાં 43મી જીત નોંધાવી હતી. જ્યારે નિકોલાએ 66માંથી 42 મેચ જીત્યા હતા. હવે પેસનો 44 જીતનો રેકોર્ડ તોડવો આગામી નજીકના ભવિષ્યમાં તૂટી શકે તે સંભવ નથી. કારણ કે પેસ ઉપરાંત અન્ય કોઈ વર્તમાન યુગલ ખેલાડી શીર્ષ 10મા નથી. બેલારુસના મેક્સ મિરની ત્રીજા નંબરે છે. જેના નામે 36 જીત છે. જો કે 2018થી ટૂર ઉપર રમી રહ્યો નથી.
ડેવિસ કપના ઉલટફેરમાં સુમિત નાગલે યુસુફ ખલીલને 6-1, 6-0થી હરાવ્યો હતો. બન્ને ટીમોએ પાંચમો મુકાબલો ન રમવાનો નિર્ણય કર્યો હતો.પહેલા ત્રણ મેચ જીતવા છતા પણ ચોથો મેચ રમવો જરૂરી હતો. જો કે નિયમ પાંચમો મેચ છોડવાની મંજૂરી આપે છે. ભારતે ફેબ્રુઆરી 2014 બાદ પહેલી વખત તમામ મેચ જીત્યા છે. હવે ક્વોલિફાયરમાં ભારતનો સામનો ક્રોએશિયા સામે થશે અને મુકાબલો 6-7 માર્ચના રમાશે. ડેવિસ કપ ફાઈનલ્સમા 12 ક્વોલિફાઈંગ સ્થાન માટે 24 ટીમ ટકરાશે. હારનારી ટીમો સપ્ટેમ્બર 2020મા વિશ્વ ગ્રુપ વનમાં રમશે. વિજેતા ટીમો ફાઈનલ્સમાં રમશે. જેના માટે કેનેડા, બ્રિટન, રશિયા, સ્પેન, ફ્રાન્સ અને સર્બિયા પહેલા જ ક્વોલિફાય કરી ચુક્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer