ગુજરાતમાં ફરી વરસાદની આગાહી આહવામાં માવઠું થયું

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.30 : રાજ્યમાં કમોસમી વરસાદના કમરતોડ મારથી હજુ ખેડૂતો બેઠા પણ નથી થયા ત્યાં ફરીથી રાજ્ય માથે કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ સુધી સૂકું વાતાવરણ રહ્યા પછી રાજ્યમાં ભેજવાળું વાતાવરણ સર્જાશે અને 4 ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ વરસશે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલય પર્વતમાળાના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે જેની સીધી અસર ઉત્તરના પવનો દ્વારા ગુજરાત પર થવાની સંભાવના છે. દરમિયાન આજે સાંજે વાતાવારણમાં એકાએક પલટો આવ્યો હતો અને આહવામાં માવઠું વરસ્યું હતું. 
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 4 ડિસેમ્બરે આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાત-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી વકી છે. લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાના કારણે પવનની ગતિ તેજ થઈ છે તેવામાં હવામાન વિભાગની ચેતવણી છે કે, માછીમારોએ દરિયો ન ખેડવો. 
દરમિયાન આજે સાંજે આહવામાં વરસેલા વરસાદના અહેવાલ મુજબ ડાંગમાં અડધો કલાક વરસાદ વરસ્યો હતો. આ વરસાદનાં કારણે ખેડૂતોની મૂંઝવણમાં વધારો થયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer